તાલુકા સદસ્ય અને પૂર્વ સરપંચ સહિત જુગાર રમતાં ચાર ઝડપાયા
- ગાંધીનગર નજીક વાવોલ ગામમાં
- ઘરમાં જુગાર રમાડાતો હોવાની બાતમીના પગલે પોલીસે દરોડો કરી ૩૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગાંધીનગર, તા. 7 જુન 2020, રવિવાર
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે શહેર નજીક આવેલા વાવોલ ગામમાં સે-૭ પોલીસે દરોડો પાડીને કોંગ્રેસના તાલુકા સદસ્ય તેમજ પૂર્વ સરપંચ સહિત ચાર લોકોને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રર,૮૮૦ રોકડા અને ચાર મોબાઈલ મળી ૩૯ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં લોકડાઉન ખુલતાંની સાથે જ જુગારીઓ પણ સક્રિય થઈ ગયા છે ત્યારે પોલીસ પણ હવે ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં જુગારની પ્રવૃતિને ડામવા માટે મથી રહી છે ત્યારે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વાવોલમાં નવો વાસ, રામદેવમંદિર પાસે રહેતા કુબેરજી કાળુજી ગોલ તેમના મકાનમાં જુગાર રમાડી રહયા છે જે બાતમીના આધારે આ મકાનમાં દરોડો પાડતાં કોંગ્રેસના તાલુકા સદસ્ય કુબેરજી ગોલ, પૂર્વ સરપંચ કમલેશસિંહ ઉર્ફે કમાજી વેરૃજી ગોલ, કનુભાઈ હીરાભાઈ પટેલ અને અજય ભુરાભાઈ વાઘેલા તમામ રહે.વાવોલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રર૮૮૦ની રોકડ અને ચાર મોબાઈલ મળી ૩૯૩૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.