Get The App

પૂર્વ ચેરમેન મનુ પટેલે વૃધ્ધ કર્મચારીને રીવોલ્વરથી મારવાની ધમકી આપી

- ગાંધીનગર મહાનગરપાલિકામાં ડીએમસીની કચેરીમાં જ

- મને જવાબ આપ્યા વગર તું બહાર ના નીકળી શકે.. કર્મચારીએ મ્યુનિ.કમિશનરને રજુઆત કરી ગુનો દાખલ કરવા માંગ કરી

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
પૂર્વ ચેરમેન મનુ પટેલે વૃધ્ધ કર્મચારીને રીવોલ્વરથી મારવાની ધમકી આપી 1 - image


ગાંધીનગર, તા. 21 જુલાઇ 2020, મંગળવાર

ગાંધીનગર મહાનગરપાલિકામાં પૂર્વ ચેરમેને નાયબ મ્યુનિ.કમિશનરની કચેરીમાં જ કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઈજનેરને જાનથી મારી નાંખવાની ધમકી આપી અપમાનજનક શબ્દો કહેતાં કર્મચારીઓમાં સન્નાટો છવાઈ ગયો છે. આ વૃધ્ધ અધિકારીને રીવોલ્વરથી મારવાની ધમકી આપતાં તેમણે આ અંગે મ્યુનિ. કમિશનરને રજુઆત કરીને આ સંદર્ભે ગુનો દાખલ કરાવવા માંગણી કરી છે. અગાઉ પણ ભાજપના આ નેતા દ્વારા કર્મચારીઓ સાથે તોછડા વર્તન કરવામાં આવ્યા હતા અને હડતાલ સુધીની નોબત આવી ગઈ હતી.  

ગાંધીનગર મહાનગરપાલીકામાં હાલ ભાજપનું શાસન છે અને ભાજપના જ કોર્પોરેટર અને પૂર્વ ચેરમેન એવા મનુભાઈ પટેલ દ્વારા અહીં કર્મચારીઓ સાથે તોછડું વર્તન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠતી રહી છે. તેમના ચેરમેન કાળ દરમ્યાન એક મહિલા કર્મચારી સાથે ગાળાગાળીની ઘટનાના પગલે કોર્પોરેશનના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. તેમ છતાં ભાજપના આ નેતાએ આ વર્તન ચાલુ જ રાખ્યું છે. કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઈજનેર ધર્મેશ છાયાએ મ્યુનિ. કમિશનરને કરેલી ફરિયાદ પ્રમાણે નાયબ મ્યુનિ. કમિશનરની કચેરીમાં કોર્પોરેટર મનુભાઈ પટેલ, કોર્પોરેટર હર્ષાબા ધાંધલના પતિ જીલુભા ધાંધલ અને પ્રવીણાબેન દરજીના પતિ કનુભાઈ દરજી હાજર હતા તે સમયે ધર્મેશભાઈ છાયા નામના વૃધ્ધ કર્મચારીને કામ અર્થે બોલાવીને વિગતો માંગી હતી. જેથી ધર્મેશભાઈએ મારા હાજર થયા પહેલા વ્હીકલ પુલ ખાતે મીની સ્વીપર મશીનો પરત લેવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. જેથી મનુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને અપમાનજનક શબ્દો બોલવા લાગ્યા હતા. જેના પગલે ડીએમસી અને અન્ય કર્મચારીઓ પણ ઉભા થઈ ગયા હતા પરંતુ મનુભાઈએ આ વર્તન ચાલુ જ રાખ્યું હતું. એટલું જ નહીં આ વૃધ્ધ અધિકારીનો હાથ પકડીને ધક્કો મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. મને જવાબ આપ્યા વગર તું બહાર ના નીકળી શકે.. મારી પાસે રીવોલ્વર છે અને ગોળીથી જાનથી મારી નાંખીશ.. તેવી ધમકી પણ આપી હતી. આ વૃધ્ધ અધિકારીએ આ સંદર્ભે ફોજદારી કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કમિશનર દ્વારા આ મામલે શું પગલાં ભરવામાં આવે છે અને કર્મચારીઓ પણ આ વૃધ્ધ અધિકારીના પડખે ઉભા રહે છે કે નહીં.

Tags :