મહેસાણા,તા.27 મે 2020, બુધવાર
મહેસાણા જિલ્લામાં લોકડાઉનમાં કેટલાક વેપારીઓ ત્રણથી ચાર ગણા ભાવે પાન, મસાલા, ગુટખા તથા અન્ય ચીજવસ્તુઓ વેચી કાળાબજાર કરી રહ્યા છે. જેમાં આજે મહેસાણા અને કડીમાં તોલમાપ વિભાગે રેડ પાડી હતી. જેમાં મહેસાણા માલગોડાઉનમાં એમ.આર.ટ્રેડર્સ તથા કડીમાં ચાર હોલસેલના વેપારીઓ ઝડપાયા હતા. તેઓની સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા મહેસાણા શહેરના માલગોડાઉનમાં આવેલ એમ.આર. ટ્રેડર્સમાં રેડ કરવામાં આવી હતી. જેમાં રૃ.૪૨૦માં મળતી આર.એમ.ડી.ના રૃ.૫૦૦ વેપારી લેતાં ઝડપાયો હતો. આ ઝડપાયેલ જથ્થામાં લેબલ પર કોઈ નામ, સરનામું, ઈમેલ જેવી માહિતી ન હતી તેમજ મસાલાના પેકેટ પર પણ કોઈ જાતનું ડિકલેરેશન હતુ નહી. જેથી પેકેજ કોમોડીટી રૃલ્સ ૨૦૧૧ અન્વયે ગુનો નોંધી આરએમડીના ૬૦ પેકેટ જપ્ત કરી આર.એમ.ટ્રેડર્સના વેપારીને ૩૩ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કડી શહેરમાં ૪ હોલસેલ વેપારીઓને ઝડપી પાડી રૃ.૪૮૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન ૩૫ જેટલા વેપારીઓ પાસેથી રૃ.૨ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.


