Get The App

રમઝાન ઈદને પણ કોરોનાનું ગ્રહણ, બજારોમાં ખરીદી ફીક્કી પડી

- પાટણ અને મહેસાણાના બજારોમાં પણ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી

Updated: May 25th, 2020

GS TEAM

Google News
Google News
રમઝાન ઈદને પણ  કોરોનાનું ગ્રહણ, બજારોમાં ખરીદી ફીક્કી પડી 1 - image

પાલનપુર, તા. 24 મે 2020, રવિવાર

ચાલુ વર્ષે ધાર્મિક તહેવારોને કોરોનાનું ગ્રહણ નડી રહ્યું છે. જેને લઈ હાલ બજારોમાં રમઝાન ઈદની ખરીદી પણ ફીક્કી પડી છે. કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે બે માસ ઉપરાંતના સમયથી લોકડાઉન ચાલી રહ્યું હોય લોકો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે તેમજ લોકોમાં પણ કોરોનાનો ડર હોઈ ચાલુ વર્ષે બજારોમાં ઈદની ખરીદી સાવ ફીક્કી પડી છે. સાથે કોરોનાને ફેલાતો અટકાવવા માટે પાલનપુર સહિત જિલ્લામાં રમઝાન ઈદની નમાઝ ઘરે જ અદા કરવા માટે અપીલ કરવામાં આવી છે. પાટણ અને મહેસાણાના બજારોમાં પણ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી

મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં રોઝા રાખીને કુદરતની ઈબાદત કરવામાં આવે છે અને રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે બજારોમા ઈદની ધુમ ખરીદી કરવામાં આવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસે માઝા મુકી હોઈ લોકો લોકડાઉનનું કડક પાલન કરી રહ્યા છે અને કોરોનાના સંક્રમણથી બહાર નીકળવાનું ટાળતા બજારોમાં પણ સન્નાટો જોવા મળી રહ્યો છે. પવિત્ર રમઝાન માસમાં એકબાજુ કોરોનાનો ખોફ, બીજી બાજુ બે મહિનાના લાંબા લોકડાઉનથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા હોઈ બજારોમાં લોકોની નહિવત્ ખરીદીને લઈ બજારો સુમસામ ભાસી રહ્યા છે. જેને લઈ વેપાર, ધંધા ન ચાલવાને લઈ વેપારીઆલમ પણ ચિંતિત થઈ ઉઠયો છે. જોકે સામાન્ય દિવસોમાં પાલનપુર ખાતે ઈદગાહ ખાતે રમઝાન ઈદની સામુહિક નમાઝ અદા કરવામાં આવી હતી પરંતુ હાલ કોરોનાના સંકટને લઈ મુસ્લિમ બિરાદરોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પોતાના ઘરે જ નમાઝ અદા કરવા માટે મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઈદની નમાઝ ઘરમાં અદા કરવા અપીલ

કોરોનાના સંક્રમણને રોકવા માટે ધાર્મિક સ્થાનો અને જાહેર સભા મેળાવડા ઉપર પ્રતિબંધ છે ત્યારે બનાસકાંઠામાં પણ મુસ્લિમ સમાજના ધર્મગુરુ મૌલાના અબ્દુલ કુદુસે મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની નમાજ ઘરમાં અદા કરવાની અપીલ કરી છે.

Tags :