Gujarat

કોરોના કાળ અને મંદીમાં પણ કોર્પોરેશનને મિલકત વેરાની રૂા. 16.27 કરોડની આવક

By GS Team
28 Jul 20201 min read
This article was originally published on 28 Jul 2020
કોરોના કાળ અને મંદીમાં પણ કોર્પોરેશનને મિલકત વેરાની રૂા. 16.27 કરોડની આવક

ગાંધીનગર, તા. 28 જુલાઇ 2020, મંગળવાર

રાજયના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકામાં ગયા વર્ષની સરખામણીએ મિલકત વેરાની આવક ઘટી છે પરંતુ હાલના તબક્કે ૧૬.૨૭ કરોડે પહોંચી ગઈ છે. દસ ટકા રીબેટ યોજનાનો લાભ ૧૭ હજાર કરતાં વધુ મિલકતધારકોએ લીધો છે. તા.૩૧મી જુલાઈ સુધી રહેણાંક અને કોમર્શિયલ મિલકતોમાં આ રીબેટ યોજનાનો લાભ મળશે. 

કોરોના મહામારીના કારણે લોકોની સાથે સરકાર અને કોર્પોરેશનની પણ આવક ઘટી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોરોનાના કારણે મિલકતવેરાની આવક ગત વર્ષની સરખામણીએ ઘટી છે પરંતુ રીબેટ યોજનાના કારણે લોકોએ ઓનલાઈન અને ઓફલાઈન વેરો ભરવાનું ચાલુ રાખ્યું છે. હાલમાં ૧૭ હજાર કરતાં વધુ મિલકતધારકોએ રીબેટ યોજનાનો લાભ લઈ મિલકતવેરા પેટે કોર્પોરેશનને ૧૬.૨૭ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચુકવી દીધી છે. આ યોજના તા.૩૧મી જુલાઈ સુધીજ અમલી રહેવાની છે. કોર્પોરેશન દ્વારા હાલમાં નવા બિલોનું વિતરણ શરૂ કરવામાં આવનાર નથી. જેથી મિલકત ધારકોએ રહેણાંકમા દસ ટકા અને કોમર્શિયલ મિલકતમાં ૩૦ ટકા વેરા માફી જોઈતી હોય તો તેમણે તા.૩૧ જુલાઈ પહેલા વેરો ભરી દેવો પડશે.તો બીજી બાજુ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવા ઉમેરાયેલા વિસ્તારોમાં પણ મિલકતો સંબંધે સર્વે કરવામાં આવી રહયો છે અને પ્રાથમિક અંદાજ મુજબ પંચાયતો, નગરપાલિકા અને ગુડામાં નોંધાયેલી ૮પ હજાર મિલકતોનો વેરો ચાલુ વર્ષથી વસુલવાનું પણ નક્કી થયું છે. જેથી કોર્પોરેશનની આવક પણ આ નવા વેરાથી વધશે તે નક્કી છે.