દશેલા અને ઝુંડાલમાંથી આઠ જુગારીઓ ઝડપાયા : 2 ફરાર
- પોલીસે જુગારીઓ પાસેથી ૧.૧પ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ગાંધીનગર, તા. 12 જુલાઇ 2020, રવિવાર
ગાંધીનગર જિલ્લામાં જુગારની બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ચિલોડા પોલીસે દશેલા ગામમાં દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા જયારે બે નાસી છુટયા હતા. આ જુગારીઓ પાસેથી રોકડ મોબાઈલ અને બાઈક મળી ૧.૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જયારે અડાલજ પોલીસે ઝુંડાલમાં દરોડો પાડી ચાંદખેડાના ત્રણ જુગારીઓને પકડી પાડયા હતા.
ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃતિ ખુબ ફુલીફાલી રહી છે ત્યારે પોલીસ તેને અટકાવવા દોડી રહી છે. ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે દશેલા ગામે ઓટાવાળી સીમમાં જોગણી માતાના મંદિર પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા. જયારે બે ભાગી જવામાં સફળ રહયા હતા. શિહોલી ગામના બિરેનદર રાધેશ્યામભાઈ શર્મા, નારણજી રમણજી ઠાકોર, ભરત નગીનભાઈ વાઘેલા, અમીતભાઈ પોપટભાઈ ઠાકોર અને દશેલાના અશોકજી સેંધાજી ઠાકોર પાસેથી ૩૯ હજારની રોકડ, ત્રણ મોબાઈલ અને ત્રણ બાઈક મળી ૧.૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ભાગી છુટેલા શીહોલી મોટીના અનીલ બબાજી ઠાકોર તેમજ કરણ કાળાજી ઠાકોરની શોધખોળ આદરી છે. બીજી બાજુ અડાલજ પોલીસે પણ ઝુંડાલમાં દરોડો પાડીને જુગાર રમતાં ચાંદખેડાના રતિભાઈ ભુલાભાઈ પટેલ, દિપકભાઈ મણીભાઈ પટેલ અને બીપીનભાઈ પ્રહલાદભાઈ નાયકને ઝડપી પાડી ૧ર૭૦૦ની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.