ડીવાયએસપી મંજીતા વણઝારાનો વાયરલ વિડીયો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો!
- લાંઘણજની મહિલા કોન્સ્ટેબલના વિવાદ બાદ
- ટીકટોક એપના શોખીન પોલીસ કર્મચારીઓએ પોતાના એકાઉન્ટ પરથી વિડીયો ડિલીટ કર્યા
મહેસાણા,તા.26 જુલાઈ 2019, શુક્રવાર
મહેસાણાના લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલના વિડીયો ટીકટોક એપ ઉપર વાયરલ થતાં બે દિવસ પહેલાં શિસ્તભંગના નામે તેણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો હતો. હવે, ડીવાયએસપી મંજીતા વણઝારાનો પણ વાયરલ વિડીયો સામે આવતાં પંથકમાં તેની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.
લાંઘણજની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ મથકમાં જ ફિલ્મી ગીતોના સથવારે ડાન્સના વિડીયો ટીકટોક પર વાયરલ કર્યા હતા. જેના કારમે શિસ્તભંગના મામલે કાર્યવાહી કરાઈ હતી. જોકે, મહેસાણાના ડીવાયએસપી મંજિતા વણઝારાનો જે વિડીયો વાયરલ થયો છે તે પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન નહી પરંતુ રહેણાંકના સ્થળે ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
નોંધપાત્ર છે કે, લાંઘણજની ઘટના બાદ રાજ્યભરમાં ટીકટોક એપના શોખીન પોલીસ કર્મચારીઓના એક પછી એક અવનવા વિડીયો સોશ્યલ મિડીયામાં બહાર આવ્યા છે. જોકે, શિસ્તભંગના નામે ક્યાંક ભોગ ન લેવાઈ જાય તેવી આશંકાના ભયે ટપોટપ ટીકટોક એકાઉન્ટ પરથી પોતાના વિડીયો ડીલીટ કરી દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલને શિસ્તભંગના નામે સસ્પેન્ડ કરાયા બાદ પોલીસ બેડામાં કચવાટ ફેલાયો છે. કેમકે દરેક વ્યક્તિની પર્સનલ લાઈફ પણ હોય છે અને જીવન મુક્તમને જીવવાનો દરેકને અધિકાર હોવાની લાગણી પ્રવર્તી રહી છે.