મહેસાણાના શીતળાપરામાં ગાડી મુકવા બાબતે ધિંગાણું, 7 વ્યક્તિને ઈજા
- સામસામે આક્ષેપો સાથે બે ફરિયાદ દાખલ
- મોડી રાત્રે સર્જાયેલી તકરાર ઉગ્ર બનતાં વાતાવરણ તંગ બન્યું
મહેસાણા,તા.27 જૂન 2020, શનિવાર
મહેસાણા શહેરમાં શીતળાપરા રબારીવાસમાં ગાડી મુકવાના મુદ્દે બે પરિવારો વચ્ચે સર્જાયેલી તકરાર ઉગ્ર બનતાં હથિયારો સાથે હિંસક ધિંગાણું સર્જાયું હતું. જેમાં બન્ને પક્ષના ૭ વ્યક્તિઓને નાની-મોટી ઈજા થતાં તેઓને સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના અંગે બીડીવીઝન પોલીસ મથકે સામસામે આક્ષેપોવાળી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે વિસનગરના વડુ ગામના કરમશીભાઈ ગાડી લઈને બપોરના સુમારે મહેસાણા ખાતે આવેલ શીતળાપરામાં રહેતા તેમના સંબંધીના ઘરે આવ્યા હતા. જ્યાં તેમની ગાડી મુકવાના મામલે તકરાર થઈ હતી. આ ઘટનાને પગલે મોડી રાત્રે અગિયાર વાગ્યાના સુમારે ધીરૃ ગાંડાભાઈ દેસાઈ અને કાનજી કુરાભાઈ રબારીના પરિવારો હથિયારો સાથે આમને સામને આવી ગયા હતા. જોતજોતામાં બન્ને વચ્ચે હિંસક ધિગાણું સર્જાયું હતું. જેમાં બન્ને પરિવારના ૭ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મહેસાણા બીડીવીઝન પોલીસ મથકે જુદીજુદી બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે બન્ને પક્ષના કાનજી કુરાભાઈ દેસાઈ, ઘેમર કુરાભાઈ દેસાઈ, રઘુ માલજીભાઈ દેસાઈ, રમેશ ગોબરભાઈ દેસાઈ, વિનોદ કાનજીભાઈ દેસાઈ, વિક્રમ કાનજીભાઈ દેસાઈ, ધીરૃ ગાંડાભાઈ દેસાઈ, અનિલ બાબરભાઈ દેસાઈ, વિષ્ણુ સાગરભાઈ દેસાઈ, રોહિત પ્રભાતભાઈ દેસાઈ, અલ્પેશ કાનજીભાઈ દેસાઈ, શૈલેષ બાબરભાઈ દેસાઈ, રમેશ સરતાનભાઈ દેસાઈ અને કરમશી સરતાનભાઈ દેસાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.