ઉ.ગુ.માં 8894નું રજીસ્ટ્રેશન છતાં એકપણ ખેડૂત મગફળી વેચવા તૈયાર નથી!
- મગફળીમાં ટેકાના પોષણક્ષમ ભાવ નહી મળતા
- બે દિવસથી ખરીદ કેન્દ્રો ઉપર તંત્ર દ્વારા ખેડૂતોને બોલાવવા મથામણ છતાં ખેડૂતો ફરકતા નથી
મહેસાણા,તા.10
રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળે તે માટે
લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. પરંતુ ખરીદ
કેન્દ્રો શરૃ થયાને બે દિવસ થયા તેમછતાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા એકપણ ખેડૂત
ખરીદ કેન્દ્ર પર ફરક્યો જ નથી. કારણ કે,
ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો મગફળી
ખુલ્લા બજારમાં વેચાણ કરે છે. જો કે, ઉત્તર ગુજરાતમાં
કુલ ૮૮૯૪ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ હતું. મહેસાણામાં ૨૭૫૯ તથા પાટણ ૬૧ અને
બનાસકાંઠામાં ૬૦૭૪ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
મહેસાણા જિલ્લામાં વિજાપુર, સતલાસણા અને ખેરાલુ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની
ખરીદી કરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના ૧૦
તાલુકામાં કુલ ૨૭૫૯ ખેડૂતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. જેમાં સૌથી
વધુ વિજાપુર તાલુકામાં ૨૧૬૯,
સતલાસણા ૩૪૧ તથા ખેરાલુમાં ૧૫૨ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. જેમાં અગાઉથી
મેસેજ કરી ખેડૂતોને જાણ કરી માલ વેચવા આવવા જણાવેલ છે. પરંતુ સરકારે ૧૧૧૦ ટેકાના
ભાવ નક્કી કર્યા છે. જે જોતાં વિજાપુર માર્કેટયાર્ડમાં પણ ખુલ્લા બજારમાં ૧૦૦૦થી
૧૨૦૦ના ભાવો મળતા ખેડૂતોએ ઓનલાઈન વેચાણ કેન્દ્રો પર વેચવા જવાનું ટાળ્યું હતું.
વિજાપુર એપીએમસીના સેક્રેટરી રમેશ પટેલે જણાવ્યું હતું કે, મગફળીમાં
ખેડૂતોને સારા ભાવો મળતા બુધવારે ૭૦૦૦ બોરીની માર્કેટયાર્ડમાં આવક થઈ છે. જો કે, બાકીના કેન્દ્રો
પર ખેડૂતો મગફળી વેચવા ફરક્યા જ નથી.
ટેકાના ભાવ કરતાં બજારમાં વધુ ભાવ મળતા હોવાની સેક્રેટરીની
કબૂલાત
સતલાસણા ગંજબજારના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે મોટાભાગના ખેડૂતોએ
દિવાળી પહેલાં મગફળી પાક લઈ તુરત જ વેચાણ કર્યું હતું. જેમાં ૬૦થી ૭૦ ટકા લોકોએ તો
વેચાણ કરી દીધું છે. હાલમાં ૩૪૧નું રજીસ્ટ્રેશન થયેલ છે. પરંતુ બજારમાં ટેકાના ભાવથી
વધુ ભાવો મળતા હોવાથી લાઈનમાં ઉભા રહેવાનું ખેડૂતોએ ટાળ્યું છે. તેમજ મગફળીનો પાક જો
વેચાણ ન થાય તો સુકાતાં તેનું વજન દિન-પ્રતિદિન ઘટતું હોય છે. જેથી ખેડૂતો વધુ વજન
સાથે આવક મેળવવા તાત્કાલિક વેચાણ કરી દેતા હોય છે.
સિદ્ધપુર એપીએમસીમાં ખેડૂતો ડોકાયા જ નહી
પાટણ જિલ્લામાં મગફળી ખરીદવા સિદ્ધપુર એપીએમસીને સેન્ટર
ફાળવવામાં આવ્યું છે. આજે બીજા દિવસે પણ કોઈ જ ખેડૂતો ફરક્યા ન હતા. જોકે
જિલ્લામાં ૬૧ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ટેકનીકલ ફોલ્ટ થતાં ૪૦
ખેડૂતોનું રજીસ્ટ્રેશન જ ન થતાં રદ્દ થયા છે. જ્યારે ૨૦ ખેડૂતોને એસએમએસ કરી
બોલાવાયા પરંતુ ખેડૂતો ખુલ્લા બજારમાં વેચાણ કરવાનું મુનાસીબ સમજી વેચાણ કરી રહ્યા
છે.
ડીસામાં બીજા દિવસે પણ ખેડૂતો ફરક્યા નહી
રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા બનાસકાંઠામાં કુલ ૧૨ ખરીદ કેન્દ્રો શરૃ કરાયા
છે. જેમાં ડીસા માર્કેટ યાર્ડ માં આવેલા ખરીદ કેન્દ્રમાં પ્રથમ દિવસે વ્યવસ્થાના
અભાવે તેમજ ખેડૂતોને મેસેજ પણ ન કરાતા
ખરીદી શરૃ થઇ શકી ન હતી. જ્યારે બીજા દિવસે કુલ ૫૦ ખેડૂતોને મગફળી લઈ આવવા માટે એસએમએસ દ્વારા જાણ
કરવામાં આવી હતી પરંતુ સાંજ સુધીમાં એક પણ ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા ન હતા. આ
અંગે ખરીદ કેન્દ્ર ના અધિકારી ચેતનભાઈ વ્યાસે કહ્યું હતું કે ડીસાના ખરીદ કેન્દ્ર
પર ૧૨૦૦ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલી છે જેમાંથી ૫૦ ખેડૂતોને એસએમએસથી જાણ કરાઈ
હતી પરંતુ એક પણ ખેડૂતો મગફળી લઈને આવ્યા ન હતા.
બનાસકાંઠામાં ૬૦૭૪ ખેડૂતોએ નોંધણી કરાવી
બનાસકાંઠા જિલ્લામાં તા.૧ થી ૩૧ ઓકટોબર સુધી ટેકાના ભાવે
મગફળીની ખરીદી માટે ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાયું હતું. જેમાં ૬૦૭૪ ખેડૂતોની
નોંધણીમાં ડોક્યુમેન્ટની ચકાસણીમાં ૨૨૩૧ ખેડૂતોની નોંધણી રદ થતા ૩૮૪૩ ખેડૂતોમાંથી
રોજના ૨૮૦ ખેડૂતોને મેસેજ કરવામાં આવી રહ્યા છે.