દહેગામના હરખજીના મુવાડામાંથી જુગારધામ પકડાયું : 6 ઝડપાયા 2 ફરાર
- ગામની ડેરી પાસે જ બેઠેલા જુગારીઓ પાસેથી રોકડ અને વાહનો મળી ૭.૧૪ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
ગાંધીનગર, તા. 30 જુલાઇ 2020, ગુરૂવાર
ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસ દરોડા પાડી રહી છે ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે હરખજીના મુવાડા ગામે કેટલાક ઈસમો ડેરી પાસે જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે દરોડો પાડતાં છ જુગારીઓ પકડાયા હતા અને બે ભાગી જવામાં સફળ રહયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ અને વાહનો મળી ૭.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જિલ્લામાં જુગારની પ્રવૃતિ ફુલતી ફાલતી હોય છે. જિલ્લામાં હાલ ઠેકઠેકાણે જુગારીઓ સક્રિય થયા છે ત્યારે પોલીસ આવા જુગારીઓને પકડવા માટે દોડી પણ રહી છે. ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમયાન બાતમી મળી હતી કે હરખજીના મુવાડા ગામે દોડવાસ ખાતે કેટલાક ઈસમો ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે આ સ્થળેથી હરખજી મુવાડામાં રહેતા રામસિંહ ઉર્ફે કાળુ બાલુસિંહ ચૌહાણ, રમેશસિંહ બાબુસિંહ ચૌહાણ, જીતેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણ, જીલુસિંહ કલ્યાણસિંહ ચૌહાણ, રમણસિંહ સરદારસિંહ ચૌહાણ અને મોતીસિંહ રામસિંહ ચૌહાણને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ર૩પ૦૦ની રોકડ, છ મોબાઈલ અને કાર, બાઈક અને મોપેડ મળી ૭.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એટલું જ નહીં ફરાર થયેલા જુગારીઓ સંદર્ભે પુછપરછ કરતાં હરખજીના મુવાડા ગામે આવેલી વાઈબ્રન્ટ સ્કુલની બાજુમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભોપો કાળુસિંહ ચૌહાણ અને કઠલાલના અપ્રુજી ખાતે રહેતા કિરણસિંહ મોતીસિંહ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બન્ને સામે પણ ગુનો નોંધ્યો હતો.