મહેસાણા જિલ્લામાં દૈનિક એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત
- જૂન અને જુલાઈમાં 819 પોઝિટિવ કેસ નોંધાયા
- જિલાના કુલ 944 કેસ પૈકી જુલાઈ માસના 31 દિવસમાં જ 645 કેસ સામે આવ્યા
મહેસાણા, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર
લોકડાઉન બાદ મળેલી વ્યાપક છુટછાટને કારણે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા ૯૧૪ કોરોના પોઝિટિવ કેસ પૈકી માત્ર જૂન અને જુલાઈના બે માસના સમયગાળામાં ૮૧૯ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કુ મૃત્યુઆંક ૬૫ સુધી પહોંચ્યો છે. જેમાં પાછલા બે માસમાં દૈનિક સરેરાશ ૧ દર્દીનું મોત થું છે. જિલ્લામાં હાલ ૩૬૩ દર્દીઓ જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ ચિંતાજનક રહ્યો છે. અનલોક દરમિયાન મહેસાણા જિલ્લામાં કોરોના વાઈરસ જાણે બેકાબુ બન્યો છે. ઉત્તરોત્તર વધી રહેલા કેસોને કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. જિલ્લામાં કાર્યરત સાંક્રિષ્ણા કોવિડ હોસ્પિટલ, વડનગર કોવિડ હોસ્પિટ, નૂતન કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. પાછલા બે માસ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો જૂન મહિનામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૭૪ હતી. જ્યારે જુલાઈ માસમાં રાફડો ફાટયો હોય તેમ ૬૪૫ કેસો નોંધાયા છે. જૂનમાં ૨૦ અને જુલાઈમાં ૩૮ દર્દીઓના મોત થયા હતા.
મહેસાણા જિલ્લામાં મે મહિના સુધીમાં કોરોના પોઝિટિવ માત્ર ૧૨૫ કેસ નોંધાયા હતા. જ્યારે ૭ દર્દીઓના મોત નીપજ્યા હતા. પરંતુ જૂન અને જુલાઈ માસમાં જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેવો ઘાટ સર્જાયો છે. બે માસના સમયગાળામાં જ ૩૧ જુલઈ સુધી ૮૧૯ પોઝિટિવ કેસ અને ૩૮ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જિલ્લામાં અત્યાર સુધી ૧૦૮૨૫ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૯૯૫૬ના રિપોર્ટ નેગેટિવ આવેલ છે. શુક્રવારે ૨૭૨ સેમ્પલનું રિપોર્ટ આવતા ૩૦ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે બે મહિલા અને બે પુરુષ પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
મહેસાણા જિલ્લામાં 4 દર્દીના મોત
મહેસાણાની સાંઈક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાર કોરોના પોઝિટિવ દર્દીઓના શુક્રવારે મોત થયા છે. જેમાં વિસનગરના ૭૮ વર્ષની વૃધ્ધા, મહેસાણાના રામોસણા ચોકડી વિસ્તારના ૭ વર્ષીય વૃધ્ધા, મહેસાણા ગંજબજાર પાછળ રહેતા ૬૫ વર્ષીય વૃધ્ધ તેમજ મહેસાણાના મોઢેરા રોડ પર રહેતા ૬૬ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે.
જિલ્લામાં વધુ નવા 30 કેસ ઉમેરાયાઃ 4 ના મોત
મહેસાણા જિલ્લામાં શુક્રવારે વધુ ૩૦ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૯૪૪ થઈ છે. જ્યારે વધુ ૪ દર્દીઓને કોરોના ભરખી જતા કુલ મૃત્યુઆંક ૬૫ થયો છે.
આ વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવ્યા
મહેસાણા જિલ્લામાં શુક્રવારે ૩૦ નવા કેસો ઉમેરાયા છે. જેમાં શહેરના માલગોડાઉન રોડ, કસ્બા, રાજકમલ પેટ્રોલપંપ પાસે, પરા ટાવર, ગંજબજાર રાધનપુર રોડ, વિસનગર રોડ, સોમનાથ ચોક, બિલાડીબાગ, જેલરોડ, વિસનગરના થલોટા રોડ, સવાલા દરવાજા, ખેરાલુના ખારીકુઈ, કડીના ધરતી સીટી પાસે, દલકુંડ મહાકેવ પાસે, કરણનગર રોડ, રામોસણા, લાખવડ, પાલાવાસણા, આંબલીયાસણ, ખેરવા, કુંડાળ, કરણનગર, ચંદ્રાસણ, વડનગરના ત્રાંસવાડ, વિજાપુરના ખરોડ અને કુકરવાડા તેમજ બેચરાજીના ચડાસણામાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
બે માસ દરમિયાન કોરોનાની આંકડાકીય માહિતી
માસ પોઝિટિવ કેસ મૃત્યુ
જૂન ૧૭૪ ૨૦
જુલાઈ ૬૩૫ ૩૮