પ્રાણઘાતક કોરોનાનો કહેર : 24 કલાકમાં પોઝિટિવ 8ના મોત
- પાટનગરમાં કોરોનાગ્રસ્ત 3ના મોત : મગોડી,અડાલજ અને નારદીપુરના વૃધ્ધ કોરોના સામેની જંગ હારી ગયા : કલોલ અને માણસામાં પણ 1-1 મૃત્યુ
ગાંધીનગર, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
સમયસર સારવાર નહીં મળવાના કારણે અને દર્દીમાં રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ ઓછી હોવાના પગલે કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુના કિસ્સા વધી રહ્યાં છે. જેને પગલે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે તો બીજીબાજુ આ દર્દીઓને જ્યાં સારવાર આપવામાં આવે છે સિવિલમાં પણ આરોગ્યની સેવાઓ સુધરે તે માટે ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે ગાંધીનગરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી આઠ પોઝિટિવ દર્દીઓનો મોત થયા છે. આ તમામ મૃતકો ૪૮ વર્ષથી વધુ વયના હોવાનું સામે આવી રહ્યું છે.
અનલોક થ્રીના અમલની સાથે હવે લગભગ સમગ્ર દેશ ખુલી ગયો છે ત્યારે કોરોનાના જીવલેણ અને ખુબ જ ચેપી વાયરસ પણ રોકેટ ગતિએ પ્રસરી રહ્યો છે. એક દર્દી કે વ્યક્તિ મારફતે અન્ય કે અનેકને સ્પર્શતો અને તેના નાક, આંખ કે મો મારફતે શરીરમાં પ્રવેશતો વાયરસ ગળાથી ફેફસા સુધી ખુબ જ ઝડપથી અંતર કાપી રહ્યો છે. જેના પગલે ફેફસામાં કોરોનાનો ચેપ પ્રસરી જાય છે અને ખુબ જ ટુંકી માંદગી બાદ દર્દીનું મૃત્યુ થતાં હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં કોરોનાના લક્ષણો જેવા કે તાવ, શરદી, કફ, ગળામાં બળતરા ઉપરાંત સ્વાદ અને સુગંધ ગુમાવી દેવા જેવી શારીરિક ફેરફાર જણાય તો તુરત જ સરકારી હોસ્પિટલ કે કોર્પોરેશનમાં જઇને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ તેવી સલાહ સ્થાનિક તબીબો આપી રહ્યાં છે.તેમ છતા હજુ પણ ઘણા વ્યક્તિઓ આ કોરોનાને ગંભીરથી લેતા નથી અને તાવ, કફ અને શરદી થઇ હોય ત્યારે મેડિકલ સ્ટોરમાંથી એન્ટીબાયોટીક દવા લઇને ચારથી પાંચ દિવસ પસાર કરી દે છે જે આખરે જીવલેણ પુરવાર થાય છે.દર્દીઓની આ બેદરકારીને કારણે તેમને સમયસર મળવી જોઇએ તેવી સારવાર માળતી નથી અને ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે.
કોરોના પોઝિટિવ દર્દીના મોતના કિસ્સા દિવસે અને દિવસે વધી રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીના સૌથી વધુ આઠ કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૪સીમાં રહેતા ૫૭ વર્ષિય પુરુષ કે જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનું મૃત્યું થયું છે. જ્યારે સેક્ટર-૧૩માં રહેતા ૬૦ વર્ષિય મહિલાને કોરોના પોઝિટિવ આવતા તેમને તા.૨૮મીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગઇકાલે તેમનું મોત નિપજ્યું હતું. સે-૨૪માં રહેતા ૫૬ વર્ષિય કોરોના પોઝિટિવ મહિલાને પણ આવી જ રીતે ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી તે દરમિયાને તેમનું પણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ ત્રણના મોત ઉપરાંત ગાંધીનગર તાલુકાના ગામોમાંથી પણ મૃત્યુંના સમાચાર મળી રહ્યા છે. નારદીપુરમાં રહેતા ૭૪ વર્ષિય વૃધ્ધ, અડાલજના ૮૫ વર્ષિય વૃધ્ધ, મગોડીમાં રહેતા ૮૩ વર્ષિય કોરોના પોઝિટિવ વૃધ્ધનું છેલ્લા ૨૪ કલાકમાં મોત થયું છે. આ ત્રણેય વૃધ્ધને કોરોના પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલતી હતી. જ્યારે કલોલમાં રહેતા ૪૮ વર્ષિય કોરોના પોઝિટિવ યુવાનનું પણ ગાંધીનગર સિવિલમાં ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. માણસામાં આવેલા સાલડીના ૫૫ વર્ષિય મહિલાને કોરોના પોઝિટિવ થતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ મહિલાને તા.૧૫મીએ ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની સારવાર સઘન કરવામાં આવી હતી ૧૫ દિવસ કોરોના સામે લડયા બાદ આજે તેમનું મોત નિપજ્યું છે. ગાંધીનગરમાં ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ આઠ દર્દીઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ સરકારી ચોપડે હજુ સુધી આ પાંચ પૈકી એક પણ કોવિડ પોઝિટિવ દર્દીનું મોત થયું હોવાનું નોંધાયું નથી. સિવિલમાં દર્દીના મોત બાદ ફિઝિશીયન સહિત અન્ય ડોક્ટરોની ટીમ તેના કેસનું એનાલીસીસ કરે છે અને આ કોરોના પોઝિટિવ દર્દીનું મોત કોરોના વાયરસથી થયું છે કેમ તે જાણે છે અને ત્યારબાદ આ દર્દીનું મોત કોરોનાથી થયું કે અન્ય બિમારીઓથી થયું તેનો રીપોર્ટ આપે છે. જેના આધારે જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા તેની નોંધ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના લક્ષણો હોવા છતા દર્દીઓ સારવાર માટે ખુબ જ મોડા ગાંધીનગર સિવિલમાં આવતા હોવાને પગલે મૃત્યુંઆંક ચિંતાજનકરીતે વધી રહ્યો છે જેનાથી નગરજનો અને ગ્રામ્યવિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો છે.
મૃત્યુ પામેલા દર્દીઓની યાદી
ઉંમર |
પુ./સ્ત્રી |
વિસ્તાર |
૫૭ |
પુરુષ |
સેક્ટર-૪/સી |
૬૦ |
સ્ત્રી |
સેક્ટર-૧૩ |
૫૬ |
સ્ત્રી |
સેક્ટર-૨૪ |
૫૫ |
સ્ત્રી |
સાલડી |
૮૩ |
પુરુષ |
મગોડી |
૭૪ |
પુરુષ |
નારદીપુર |
૮૫ |
પુરુષ |
અડાલજ |
૪૮ |
પુરુષ |
કલોલ |