ક-5 સર્કલ પાસે લગાવેલી બેરેકથી વાહનચાલકોને અકસ્માતનો ભય
- અવર જવર માટે માર્ગ સાંકડો હોવાથી વાહનચાલકોને પરેશાન થવું પડે છે
ગાંધીનગર, તા. 1 જુલાઇ 2020, બુધવાર
ગાંધીનગર શહેરના ક-માર્ગ ઉપર થોડા દિવસ અગાઉ શહેરના માર્ગો બંધ કરાયા વખતે બેરેક નાંખવામાં આવી હતી. આમ હવે જ્યારે માર્ગોને ખુલ્લા કરી દેવામાં આવ્યા છે ત્યારે ક-પ પાસે આવેલી બેરેકને ખોલવામાં નહીં આવતાં અવર જવર કરતાં વાહનચાલકોને અકસ્માતના ભયે પસાર થવું પડે છે.
કોરોનાની મહામારીના પગલે અપાયેલા લોકડાઉનમાં સંક્રમણ વધે નહીં તે માટે ગાંધીનગર શહેરમાં વાહનોની અવર જવર માટે થોડા દિવસ અગાઉ એક માર્ગને ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જ્યારે શહેરમાં પ્રવેશતાં તમામ માર્ગો ઉપર બેરેક મુકીને બંધ કરવામાં આવ્યા હતાં. ત્યારે ક-માર્ગ ઉપર જીઆઇડીસીથી ઘ-પ તરફ જતાં માર્ગને પણ બંધ કરાયો હતો. હવે જ્યારે શહેરમાં પ્રવેશતાં તમામ માર્ગોને ખોલી દેવામાં આવ્યા છે ત્યારે આ ક-પ સર્કલ પાસે નાંખવામાં આવેલી એંગલો હજુ સુધી કાઢવામાં નહીં આવતાં અવર જવર કરતાં વાહનચાલકોને અકસ્માતના ભયે પસાર થવું પડે છે. તો બીજી તરફ બેરેક હોવાના કારણે રાત્રીના સમયે પસાર થવામાં અકસ્માતનો સામનો વાહનચાલકોને કરવો પડે છે. આમ હાલમાં વિવિધ માર્ગો ઉપરથી બેરેક હટાવી લેવામાં આવ્યા છે ત્યારે ક-પ સર્કલ નજીક લગાવવામાં આવેલી એંગલોને પણ હટાવવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.