મહેસાણા,તા.05 જૂન 2020, શુક્રવાર
મહેસાણા જિલ્લા સહિત ઉ.ગુ.માં પખવાડીયા બાદ છૂટાછવાયા તીડ આવવાની સંભાવના ખેતીવાડી કચેરી દ્વારા સેવાઈ રહી છે. જોકે કરોડોની સંખ્યામાં તીડની સંભાવનાને નકારવામાં આવી છે. કારણકે તીડ દરિયાઈ માર્ગેથી અથવા પાકિસ્તાન તરફથી આવતા પવનની દિશા તરફ ફંટાશે ત્યારે વચ્ચે આવતા પ્રદેશોમાં તેના પર દવા છંટકાવ થતા તેની સંખ્યામાં ઘટાડો નોંધાઈ શકે છે.
જૂન માસના અંતિમ સપ્તાહથી દ્વારકાના દરિયાઈ માર્ગેથી તીડ ગુજરાતમાં પ્રવેશ કરવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તો બીજી તરફ પાકિસ્તાન તરફથી પણ આપવવાની સંભાવના છે. જોકે દ્વારકાથી તે પવનની દિશા તરફ તીડનુ ઝુંડ ફંટાશે. જોકે આ તીડના ઝુંડને નિયંત્રિત કરવા કેન્દ્ર તેમજ રાજ્યની તીડ નિયંત્રણ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જોકે દરિયાઈ માર્ગો કે જમીન માર્ગે રાજ્યમાં પ્રવેશતા તીડ પર દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવશે. જો તીડ દેખાય તો ગ્રામસેવક, તલાટી, સરપંચ, ખેતીવાડી કચેરીને ખેડૂતોએ જાણ કરવાની રહેશે. ઉપરાંત ખેતરોમાં અવાજ કરવો, ધૂમાડો કરવાથી તીડ પર અંકુશ મેળવી શકાશે.
મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા તીડ આવશે
આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ભટ્ટે જણાવ્યું હતું કે દરિયાઈ માર્ગોથી આવતા તીડ મહેસાણા જિલ્લામાં પહોંચતા પૂર્વે તેના પર અન્ય જિલ્લાઓમાં દવા છંટકાવ કરીને તેના પર ટીમો દ્વારા અંકુશ મેળવી લેવાશે. જોકે તીડ પવનની દિશા તરફ આગળ વધતા હોયછે. જેથી મહેસાણા જિલ્લામાં છૂટા છવાયા તીડ આવવાની સંભાવના રહેલી છે. જોકે તે માટે વિવિધ ટીમો બનાવાયેલી છે. તીડ આવે તો ગ્રામસેવક, તલાટી, સરપંચ તેમજ ખેતીવાડી કચેરીને જાણ કરવાની રહેશે.


