વલાદ પાસે લકઝરીની અડફેટે ડભોડાના બાઈક સવારનું મોત
- આધેડ મેઘાણીનગર નોકરી ઉપર જઈ રહયા હતા તે દરમ્યાન અકસ્માતઃબસ મુકી ચાલક ફરાર
ગાંધીનગર, તા. 2 જુલાઇ 2020, ગુરુવાર
ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા નરોડા હાઈવે ઉપર ગઈકાલે સવારના સમયે બાઈક ઉપર મેઘાણીનગર જઈ રહેલા ડભોડાના આધેડને લકઝરી બસે અડફેટે લેતાં તેમનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. અકસ્માત સર્જી બસનો ચાલક ભાગી ગયો હતો. આ સંદર્ભે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ડભોડા ગામે દાદુનગરમાં રહેતાં અને મેઘાણીનગરમાં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતાં રમણજી બબાજી સોલંકી તેમનું બાઈક નં.જીજે-૧-એમકે-૮૫૮૨ લઈને ગઈકાલે સવારના સમયે નોકરી ઉપર મેઘાણીનગર જઈ રહયા હતા તે દરમ્યાન ચિલોડા નરોડા હાઈવે ઉપર વલાદ ગામના પાટીયા પાસે લકઝરી બસ નં.આરજે-૧૪-પીસી-૫૮૧૧ના ચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતુ અને શરીરે ગંભીર ઈજાઓના કારણે રમણજીનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જો કે બસનો ચાલક સ્થળ ઉપર બસ મુકીને નાસી છુટયો હતો. આ ઘટના અંગે તેમના પુત્રને જાણ થતાં તે તુરંત જ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમની ફરિયાદના આધારે ડભોડા પોલીસે લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.