Get The App

મોલીપુરમાં પિતરાઈ કાકાએ જ ઠંડા કલેજે પોતાના ભત્રીજાની હત્યા કરી હોવાનું ખુલ્યું

- મર્ડર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

- દિકરા કરતાં અખલાક તંદુરસ્ત હોવાથી આરોપી લઘુતાગ્રંથીમાં પીડાતો હતોઃ પકડાઈ જવાના ડરે લાશ ઘરની પાછળ ફેંકી દીધી

Updated: Jun 4th, 2019

GS TEAM

Google News
Google News
મોલીપુરમાં પિતરાઈ કાકાએ જ ઠંડા કલેજે પોતાના ભત્રીજાની હત્યા કરી હોવાનું ખુલ્યું 1 - image

મહેસાણા,તા.2 જૂન 2019, સોમવાર

વડનગર તાલુકાના મોલીપુર ગામમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા બાળકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ રવિવારે તેના જ ઘર નજીકથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ અંગે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સાંયોગિક પુરાવાઓના આધારે હત્યા કેસનો ભેદ ઉકેલી નાખી સોમવારના રોજ બાળકની હત્યામાં સંડોવાયેલા તેના જ પિતરાઈ કાકાની ધરપકડ કરી છે. જેમાં ચોંકાવનારી હકકીતનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. 

મોલીપુરમાં આવેલ મસ્જીદવાસમાં રહેતા અશદઅલી શેરઅલી બળ્યા (મોમીન) અને તેમનો પરિવાર ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમનો સાડા ત્રણ વર્ષની વયનો દિકરો મહંમદ અખલાક શનિવારના રોજ સવારે નવેક વાગ્યાના સુમારે ઘરની સામે આવેલ ચોકમાં રમી રહ્યો હતો. દરમિયાન પોતાના દિકરાને નવડાવવા માટે તેની માતા ચોકમાં લેવા માટે જતાં તે અહીં રમતો મળી ન આવેલ. જેથી અખલાખની શોધખોળ આસપાસના ઘરોમાં કર્યા બાદ ગામમાં પણ સગાસંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ ન મળતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. દરમિયાન રવિવારે સવારે અશદઅલીના ઘરની સામે જ આવેલા એક ઘરની સામે જ આવેલા એક ઘરની પાછળ અવાવરૃ જગ્યાએથી અખલાખની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. 

આ ઘટના અંગે વડનગર પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી. વળી, જે સ્થળેથી અખલાકની લાશ મળી આવી હતી. તે ઘરમાં પોલીસે તપાસ કરતાં અંદરથી કેટલાક સાંયોગિક પુરાવાઓ મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે આ ઘરમાં રહેતા અકબરઅલી કમરઅલી બળ્યાની અટકાયત કરી હતી. અને તેની પુછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને પોતાના પિતરાઈ ભત્રીજા અખલાકની તેમે જ હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. નોંધપાત્ર છે કે, અકબરે શનિવારે સવારે ઘર નજીક ચોકમાં રમી રહેલા અખલાકને ઉઠાવી લઈ પોતાના ઘરમાં લઈ ગયો હતો. અને ઠંડા કલેજે તેની હત્યા કરી નાખી આખી રાત તેની લાશ પોતાના ઘરમાં જ રાખી હતી. પરંતુ બીજા દિવસે પકડાઈ જવાના ડરે આરોપીએ મૃતકની લાશ પોતાના ઘરની પાછળના ભાગે આવેલ અવાવરૃ જગ્યાએ નાખી દીધી હતી. જોકે, પાપ છાપરે ચડીને પોકારે તેમ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપી અકબરને ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

સાંયોગિક પુરાવાઓના આધારે ખૂન કેસ ઉકેલાયો

રાતભર ગ્રામજનો અને પરીજનોએ ગુમ થયેલા અખલાખની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. બીજા દિવસે સવારે તેના ઘરની સામેથી બાળકની લાશ મળી આવતાં પોલીસે આરોપી અકબરઅલીના ઘરમાં તપાસ કરતાં અહીંથી સાંયોગિક પુરાવાઓ મળી આવ્યા હતા. જેથી તેની સઘન પુછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.

કેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો

શનિવારે સવારે અખલાક ઘર નજીક આવેલા ચોકમાં રાબેતા મુજબ રમી રહ્યો હતો. તે વખતે મોકો જોઈને અકબરઅલી તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને પોતાના ઘરમાં પાણીની ટાંકીમાં નાખ્યા બાદ એક ખૂણામાં પછાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ પકડાઈ જવાના ભયે તેની લાશ પોતાના જ ઘરની પાછળ અવાવરૃ જગ્યામાં નાખી દીધી હતી.

મરનાર બાળક માત્ર તંદુરસ્ત હોવાના વાંકે ભોગ બન્યો 

આરોપી અકબરનો ચાર વર્ષીય દિકરો સરફરાજ અને મૃતક અખલાખ રોજ સાથે જ રમતા હતા. રમતા-રમતા ક્યારેક અખલાક નાનો હોવાછતાં સરફરાજને મારતો હોવાથી તેની તંદુરસ્તીથી આરોપી સતત પીડાઈ રહ્યો હતો. છેવટે આક્રોશમાં આવી જઈને તેણે પોતાના જ પિતરાઈ ભાઈના દિકરાની હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

Tags :