માણસાની લેબોરેટરીમાં કોરોનાનું સેમ્પલ કલેકશન બંધ કરાવી દીધું
- નિયમો નહીં જળવાતાં આરોગ્ય તંત્રએ
ગાંધીનગર, તા. 9 જુલાઇ 2020, ગુરૂવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ દર્દીના કેસની સાથે મૃત્યુઆંક પણ દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહયો છે ત્યારે કોવિડ હોસ્પિટલ અને ફેસેલીટી સેન્ટર ઉપરાંત લેબોરેટરી માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોના પાલન કરવાની શરતે કોવિડના ટેસ્ટ કરવાની અથવા તો દર્દીના સેમ્પલ કલેકશન કરવાની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જીલ્લાના માણસામાં આવેલી શ્રીજી લેબોરેટરીમાં આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન થતું ન હતું. જેને પગલે આ લેબમાં દર્દીના સેમ્પલ કલેકશન કરવાનું બંધ કરાવવામાં આવ્યું છે તેમ જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાને જણાવ્યું હતું. આરોગ્યના અધિકારીઓએ આ લેબની મુલાકાત લીધી તે વખતે નિયમો પ્રમાણે એન્ટ્રી અને એક્ઝીટ ઉપરાંત બાયો મેડીકલ વેસ્ટનું મેનેજમેન્ટ પણ યોગ્ય નહીં હોવાનું ધ્યાને આવ્યું હતું. તે સેમ્પલ કલેકશન પણ નિયમ પ્રમાણે થતું જોવા મળ્યું નહોતું. તેથી આ સ્ટર્લીંગ અમ્યુરીસ (શ્રીજી) પેથોલોજી લેબમાં સેમ્પલ કલેકશન બંધ કરવાનો જિલ્લા આરોગ્ય અધિકારીએ ઓર્ડર કર્યો છે.