Get The App

24 કલાકમાં કોરોના પોઝિટિવ 5 દર્દીના મોત

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
24 કલાકમાં કોરોના પોઝિટિવ 5 દર્દીના મોત 1 - image


ગાંધીનગર, તા. 26 જુલાઇ 2020, રવિવાર

કોરોના વાયરસ રોકેટ ગતિએ ગાંધીનગર શહેર અને જિલ્લામાં પ્રસરી રહ્યો છે. ત્યારે પોઝિટિવ દર્દીઓની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જેનાથી આરોગ્યતંત્રમાં ચિંતાપેઠી છે. સમયસર સારવાર નહીં મળવાના કારણે અને દર્દીમાં રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ ઓછી હોવાના પગલે મૃત્યુના કિસ્સા વધી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ પાંચ દર્દીઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. એક જ દિવસમાં પાંચ કોરોના દર્દીના મોતથી નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આરોગ્યની સેવાઓને વધુ સુદ્રઢ કરવાની તાતી જરૂરીયાત હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યાં છે. 

હવે લગભગ સમગ્ર દેશ ખુલી ગયો છે ત્યારે કોરોનાના જીવલેણ અને ખુબ જ ચેપી વાયરસ પણ રોકેટ ગતિએ પ્રસરી રહ્યો છે. એક દર્દી કે વ્યક્તિ મારફતે અન્ય કે અનેકને સ્પર્સતો અને તેના નાક, આંખ કે મો મારફતે શરીરમાં પ્રવેશતો વાયરસ ગળાથી ફેફસા સુધી ખુબ જ ઝડપથી અંતર કાપી રહ્યો છે. જેના પગલે ફેફસામાં કોરોનાનો ચેપ પ્રસરી જાય છે અને ખુબ જ ટુંકી માંદગી બાદ દર્દીનું મૃત્યુ થતાં હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં કોરોનાના લક્ષણો  જેવા કે તાવ, શરદી, કફ, ગળામાં બળતરા ઉપરાંત સ્વાદ અને સુગંધ ગુમાવી દેવા જેવા લક્ષણો જણાય તો તુરત જ સરકારી હોસ્પિટલ કે કોર્પોરેશનમાં જઇને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ તેવી સલાહ સ્થાનિક તબીબો આપી રહ્યાં છે. તો બીજી બાજુ ખુબ જ ઝડપથી વધતાં કોરોના પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીના મોતના કિસ્સા દિવસે અને દિવસે વધી રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ પાંચ પોઝિટિવ દર્દીના મોત થયા હોવાનું આંતરિક સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.  ગાંધીનગર શહેરના સેક્ટર-૩૦માં રહેતા ૭૦ વર્ષિય વૃદ્ધ છ દિવસ પહેલાં પોઝિટિવ આવ્યા હતા. જેમની સારવાર ગાંધીનગર સિવિલમાં ચાલી રહી હતી. તેમનું મોત નિપજ્યું છે. સેક્ટર-૫/બીમાં રહેતા ૬૨ વર્ષિય પુરુષનું પણ મોત થયું છે. તો ધમાસણામાં રહેતાં ૮૦ વર્ષિય વૃદ્ધને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે તા.૨૩ જુલાઇના રોજ લાવવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. તો મુબારકપુરમાં રહેતો ૪૮ વર્ષિય પુરુષનું પણ મોત થયું છે. જ્યારે ગાંધીનગર તાલુકાના પેથાપુરમાં રહેતાં ૬૪ વર્ષિય વૃદ્ધને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તા.૨૪ જુલાઇના રોજ તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. તેમનો કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આજે તેમનું અવસાન થયું છે. આમ ૨૪ કલાકમાં ગાંધીનગર સિવિલમાં સારવાર લઇ રહેલાં પાંચ પોઝિટિવ દર્દીઓના મોતને લઇને આરોગ્યની સેવાઓ સામે પણ સવાલો ઉભા થયાં છે. આવી સ્થિતિમાં નિષ્ણાંત તબીબ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધા અવસ્થા ઉપરાંત કોરોનાની સાથે ડાયાબીટીસ સાથે અન્ય રોગ તથા બિમારી દર્દીને હોય તો તેવા દર્દીઓને બચાવવા મુશ્કેલ હોય છે. આ ઉપરાંત તાવ સહિતની તકલીફથી ચાર-પાંચ દિવસ ઝઝુમ્યા બાદ દર્દી કોવિડ ટેસ્ટ કરાવે છે જે પોઝિટિવ આવ્યા બાદ તે સારવાર માટે દાખલ થાય છે એટલે કે વાયરસ પ્રવેશ્યા બાદ છ થી સાત દિવસે તેની સારવાર થાય છે. જે ખુબ જ ખતરનાક છે આવા સંજોગોમાં દર્દીને બચાવવાનું તબીબો માટે મુશ્કેલ થઇ જાય છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ જે દર્દીઓમાં નથી હોતી તેમને રીકવર થતાં ખુબ જ વાર લાગે છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ વ્યક્તિઓના મોત થયા હોવાનું આંતરિક સુત્રોમાંથી જાણવા મળે છે પરંતુ સરકારી ચોપડે હજુ સુધી આ પાંચ પૈકી એક પણ કોવિડ પોઝિટિવ દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું નથી. સિવિલમાં દર્દીના મોત બાદ ફિઝિશીયન સહિત અન્ય ડોક્ટરોની ટીમ તેના કેસનું એનાલીસીસ કરે છે અને આ કોરોના પોઝિટિવ દર્દીનું મોત કોરોના વાયરસથી થયું છે કેમ તે ચર્ચા કરીને સાબિત કરે છે અને ત્યારબાદ આ દર્દીનું મોત કોરોનાથી થયું કે અન્ય બિમારીઓથી થયું તેનો રીપોર્ટ આપે છે. જેના આધારે જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા તેની નોંધ કરવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે, કોરોના પોઝિટિવ દર્દીના મોતના મોટાભાગના કિસ્સામાં નોનકોવિડ ડેથનો રીપોર્ટ આપવાની સુચના છે.

મૃત્યુ પામેલા દર્દીઓની યાદી

ઉંમર

પુ./સ્ત્રી     વિસ્તાર

 

૮૦

પુરુષ

ધમાસણા

૬૭

પુરુષ

પેથાપુર

૭૦

પુરુષ

સેક્ટર-૩૦

૬૨

પુરુષ

સેક્ટર-૫/બી

૪૮

પુરુષ

મુબારકપુર

Tags :