For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અટલ સ્પોર્ટ્સ સેન્ટરનું એક દિવસ પહેલાં કોંગ્રેસે ઉદ્ધાટન કરી નાખતાં વિવાદ

- મહેસાણા શહેરમા રૃ.૬.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ

- સત્તા વગરની કોંગ્રેસના હવાતિયાં હોવાના ભાજપે આક્ષેપ કર્યા, ચીફ ઓફિસરે મૌન સેવ્યું

Updated: Mar 31st, 2022

Article Content Imageમહેસાણા, તા.31

મહેસાણા શહેરમાં નગરપાલિકા દ્વારા  રૃ.૬.૬૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલાં અટલ સ્પોર્ટ્સ સેન્ટરનું લોકાર્પણ ૧લી એપ્રિલે પૂર્વ નાયબ મુખ્યમંત્રીના હસ્તે  કરવામાં આવે તે પહેલાં જ  વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં  કોંગ્રેસના કાર્યકરોએ લોકાર્પણ કરી નાખતાં શહેરના  રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. સર્જાયેલા વિવાદ અંગે ચીફ ઓફિસરે કોંગ્રેેસના અગ્રણીઓ સામે કાર્યવાહીના મુદ્દે મૌન સેવ્યું હતું.

મહેસાણામાં  નિર્માણ કરવામાં આવેલ  સ્પોર્ટેસ સેન્ટરનો નિયત  લોકાર્પણ કાર્યક્રમ  ૧ એપ્રિલના રોજ પૂર્વનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવાની નિમંત્રણ પત્રિકા વહેંચાઈ ગઈ હતી. દરમિયાનમાં લોકાર્પણના એક દિવસ પૂર્વે  વિપક્ષ નેતા કમલેશ સુતરિયાની રાહબરી હેઠળ  પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, જયદીપ ડાભી , પક્ષના કોર્પોરેટરો અને કાર્યકરોએ એકઠા થઈને ે સ્પોર્ટ્સ સેન્ટર-સ્વીમીંગપુલનું ઉદ્ધાટન રીબીન કાપી લોકાર્પણ કરી નાંખતા ભાજપાના નેતાઓ ઊંઘતા ઝડપાયા હતા. આ ઘટના બાદ  પાલિકા પ્રમુખ વર્ષા  પટેલચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિતનાઓ સ્પોર્ટ્સ સેન્ટર દોડી ગયા હતા. ત્યાં સુધીમાં તો કોંગ્રેસના કાર્યકરો ખેલ કરીને ં ઘર ભેગા થઈ ગયા હતા.આ મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન કૌશીક વ્યાસે જણાવ્યું કે, સત્તા વિહોણી કોંગ્રેસ હવાતિયાં મારી રહી છે.  ભાજપાએ તેમનું ધાર્યું થવા દીધું નથી એટલે ઉદ્ધાટનના ધમપછાડા કરે છે. કાયદેસરનો લોકાર્પણ કાર્યક્રમ ૧લી એપ્રિલે સવારે ૧૦/૩૦ કલાકે સ્પોર્ટ્સ સેન્ટર ખાતે યોજાશે.ે વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ કહ્યું કે, પાલિકામાં કોંગ્રેસના શાસનમાં વોર્ડ નં.૨ માં સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણ પામવાની શરૃઆત થઈ હતી  તે સ્વીમીંગ પુલ અને જીમનું ઉદ્ધાટન આજે  કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ.

નિમંત્રણ પત્રિકામાંથી સાંસદના નામ ગાયબ થતાં તર્કવિર્તક

મહેસાણામાં પાલિકા દ્વારા નક્કી કરાયેલાં સ્પોર્ટસ સેન્ટર-સ્વીમીંગ પુલના લોકાર્પણ કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં મહેસાણા સાંસદ શારદાબેન પટેલ અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરના નામની બાદબાકી કરવામાં આવી હોય તેમ ગાયબ જણાયા હતા.

ભાજપનું એક જૂથ રાજી થયાની ચર્ચા

ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલાં સ્પોર્ટ્સ સેન્ટરના લોકાર્પણના એક દિવસ પૂર્વે કોંગ્રેસના અગ્રણીઓએ રીબીન કાપી ઉદ્ધાટન કરી નાખવાના પગલે ભાજપાનું એક જૂથ રાજી થયું હોવાની ચર્ચા ઊઠી હતી.

Gujarat