mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી

- હાઈ વોલ્ટેજ ડ્રામાના અંતે માર્ચમાં બહુમતી મેળવી હતી

- હાઈકોર્ટના હુકમ અન્વયે અગાઉની પ્રક્રિયા રદ થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ

Updated: Nov 9th, 2021

મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી 1 - image

મહેસાણા,તા.9

સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી મંગળવારે હાઈકોર્ટના આદેશ બાદ ફરીવાર યોજાઈ હતી.જેમાં સત્તાધારી ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી લેતા જિલ્લામાં એકમાત્ર તાલુકા પંચાયતમાં વહિવટી સુત્રો હસ્તગત કર્યા છે.

મહેસાણા જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ૪ નગરપાલીકાની સામાન્ય ચુંટણી ગત તા.૨૮ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ યોજાઈ હતી. જેના પરીણામો જાહેર થતાં સતલાસણા તાલુકા પંચાયત સિવાય જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર ભાજપે કબજો જમાવ્યો હતો.જયારે સતલાસણા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી ૮ કોંગ્રેસ, ૭ ભાજપ અને ૧ અપક્ષને ફાળે ગઈ હતી.ત્યારબાદ, ૧૭ માર્ચ ૨૦૨૧ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી.તે વખતે મોટીભાલુ બેઠક પરથી ચુંટાયેલા કોંગ્રેસના સભ્ય વસંત જોષીની મતદાન અગાઉ નાટકીય ઢબે તાલુકા પંચાયતના દરવાજાથી પોલીસે આઠ વર્ષ જુના ઉચાપત કેસમાં ધરપકડ કરી હતી.જેથી બહુમતી હોવા છતાં કોંગ્રેસે સત્તા ગુમાવતા પ્રમુખ તરીકે ભાજપના લક્ષ્મીકુંવરબા પરમાર અને ઉપપ્રમુખ તરીકે ભારતીબા ચૌહાણ એક અપક્ષ સભ્યના સમર્થનથી ચુંટાઈ આવ્યા હતા.જોકે, કોંગ્રેસે આ મામલે હાઈકોર્ટમાંદાદ માંગી હતી.જેમાં અદાલતે સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અગાઉ થયેલી ચુંટણી રદ કરીને નવેસરથી ચુંટણી પ્રક્રિયા કરવાનો આદેશ કર્યો હતો. જેથી મંગળવારે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતા કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મનીષાબેન દિપકભાઈ પટેલ અને ઉપપ્રમુખના ઉમેદવાર જગાજી ઠાકોર ૮ વિરૃધ્ધ ૭ મતથી ચુંટાઈ આવ્યા હતા.આમ,સતલાસણા તાલુકા પંચાયતમાં ન્યાયીક પ્રક્રિયાના અંતે કોંગ્રેસે સત્તા કબજે કરી હતી.

૮ વિરૃધ્ધ ૭ મતે કોંગ્રેસનો વિજય થયો

સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મંગળવારે ચુંટણી યોજાઈ હતી.જેમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાતા કોંગ્રેસના ઉમેેદવારને ૮ જયારે ભાજપના ઉમેદવારને એક અપક્ષ સભ્ય સહિત ૭ મતો મળ્યા હતા.જયારે ભાજપના એક સદસ્ય ગેરહાજર રહયા રાજકીય અટકળોએ  જોર પકડયું હતું.

કોંગી સભ્યની ઘરપકડ થતાં ભાજપે સત્તા મેળવી હતી

સતલાસણા તાલુકા પંચાયતમાં મોટીભાલુ બેઠક પરથી ચુંટાયેલા કોંગ્રેસના સભ્ય વસંતભાઈ વાડીલાલ ગામની મહિલા દૂધ મંડળીમાં આઠ વર્ષ પહેલા ફરજ બજાવતા હતા તે વખતે સાગરદાણ અને ઘીના વેચાણના હિસાબોમાં થયેલા રૃ.૧.૦૮ લાખની કથિત ઉચાપતના મામલે તેમની સામે ફરીયાદ નોંધાઈ હતી.તેઓ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા હતા ત્યારે તાલુકા પંચાયત કચેરી સામે ખડકાયેલ પોલીસ કાફલાએ તેમની ધરપકડ કરતાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો.જેથી કોંગ્રેસના સભ્ય મતાધિકારથી વંચિત રહેતા ભાજપને બહુમતી મળી હતી.

જિલ્લાની ૧૦ માંથી એક તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબજો

ફેબ્રઆરી ૨૦૨૧માં મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી થઈ હતી.જેમાં જિલ્લા પંચાયત, ૪ નગરપાલિકા અને રાજકીય આટાપાટાથી મેળવેલ સત્તા સતલાસણા સહિત ૧૦ તાલુકા પંચાયતમાં ભાજપે કબજો મેળવ્યા હતો.જોકે,અદાલતના આદેશ પછી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં વિજેતા બનીને જિલ્લાની ૧૦ પૈકી એકમાત્ર સતલાસણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા કબજે કરી હતી.

ભાજપના આઠ મહિનાના શાસનનો અંત આવ્યો

ભાજપે નાટકીય ઢબે સત્તા મેળવી હતી અને છેલ્લા આઠ મહિનાથી સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લક્ષ્મીકુંવરબા પરમાર અને ઉપપ્રમુખ પદે ચુંટાયેલા ભારતીબા ચૌહાણ વહિવટની ધુરા સંભાળી રહ્યા હતા.હવે હાઈકોર્ટના આદેશ અન્વયે હોદ્દેદારોની જૂની ચુંટણી પ્રક્રીયા રદ કરીને નવેસરથી યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતા કોંગ્રેસના ઉમેદવારોએ ૮ વિરૃધ્ધ ૭ મતોથી વિજય મેળવીને તાલુકા પંચાયતના વહિવટના સુત્રો હસ્તગત કર્યા છે.

Gujarat