લાડોલમાં કન્ટેનમેન્ટ ઝોન છોડીને જતા રહેનાર 9 વ્યક્તિ સામે ફરિયાદ
- એપેડેમીક ડીસીજ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો
- વાણીયાવાસમાં કોરોના પોઝીટીવ દર્દી સામે આવતાં અવરજવર પર પ્રતિબંધ હતો
મહેસાણા,તા.10 જુલાઈ 2020, શુક્રવાર
વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં જાહેર કરવામાં આવેલા કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોવિડ-૧૯ની ગાઈડલાઈનનો ભંગ કરીને અહીં રહેલા ૯ શખસો જતા રહ્યા હતા. જેની જાણ થતાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે એપેડેમીક ડીસીજ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
સરદારપુરના વાણીયાવાસમાં અગાઉ કોરોના પોઝીટીવ કેસ સામે આવતા વિજાપુરના મામલતદાર દ્વારા તા.૨૨ જૂનથી આ મહોલ્લાને કન્ટનમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. જેમાં વાણીયાવાસમાં રહેતા લોકોને બહાર નહી નીકળવા તેમજ કોવિડ-૧૯ મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જ્યારે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. તેમછતાં વાણીયાવાસમાં રહેતા વિક્રમ ચતુરભાઈ રાવળ, ઉર્મિલાબેન રાવળ, ભીખાભાઈ ચીમનલાલ દરજી, લતાબેન દરજી, સુભાષભાઈ સપનભાઈ સોની, રંજનબેન સોની, પ્રહલાદભાઈ શંકરભાઈ પટેલ, ગૌરવકુમાર પટેલ અને નટુભાઈ પ્રભુદાસ પટેલ પોતાની મરજીથી કન્ટેનમેન્ટ ઝોન છોડી જતા રહ્યા હતા. જેની જાણ થતાં લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.