મહેસાણા, તા. 30
ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ફરીવાર વાતાવરણ પલટાયું.
મંગળવારે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જોકે હવામાન વિભાગે
કરેલી આગાહી પ્રમાણે ૩૦-૧૧-૨૧ થી ૨-૧૨-૨૧ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવનાને લઈ
તંત્ર દ્વારા ખેડૂતો અને માર્કેટયાર્ડોના વેપારીઓને તકેદારી રાખવા અપીલ કરવામાં
આવી છે.
ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનમાં ૧૬.૪૭ લાખ હેક્ટર જમીનમાં
વિવિધ પાકોનું વાવેતર થવા પામ્યું છે. જેમાં બનાસકાંઠામાં ૨.૯૪ લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર નોંધાયું છે.
નવેમ્બર માસમાં ૧૯ થી ૨૧ દરમિયાન કમોસમી માવઠું થયું હતું. જેમાં માર્કેટયાર્ડમાં
ખેડૂતોનો માલ પલળી જતાં નુકસાન થવા પામ્યું છે ત્યારે ફરીવાર માસના અંતિમ દિને
વાદળછાયું વાતાવરણ થતાં માવઠું થવાની શક્યતા સેવાઈ રહી છે. તેમજ હવામાન વિભાગે પણ આગામી ૨જી ડિસેમ્બર
સુધી કટેલાક સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરી છે.
જેના લીધે લાખો હેક્ટરમાં થયેલ વાવેતરને માઠી અસર થવાની સંભાવનાથી ખેડૂતોના
જીવ પડીકે બંધાયા છે. જેમાં ઉત્તર
ગુજરાતમાં ૧૬.૪૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં પાટણ જિલ્લામાં ૩૩૧૦૧૯, બનાસકાંઠામાં
૫૯૩૦૮૩ તથા મહેસાણા જિલ્લામાં ૨૯૧૦૩ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં વિવિધ
પાકો ડાંગર, બાજરી, મકાઈ, જુવાર, તુવેર, મગ, મઠ, અડદ તેમજ મગફળીનું ૩૦,૫૨,૭૭
હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે તેલિબિયામાં તલ, દિવેલા,
સોયાબીન તેમજ તુવર, ચોળી, શાકભાજી, ઘાસચારો તથા અન્ય
પાકોનું વાવેતર થયું છે.અપર સાયક્લોન સિસ્ટમના પગલે બે દિવસ કમોસમી વરસાદ અને પવન
ફુંકાવાની આગાહી થઈ છે. જો માવઠું થાય તો બટાકાના વાવેતર પર અસર થવાની સંભાવના છે.
વિવિધ માર્કેટયાર્ડોમાં ખુલ્લામાં વેચાણ અર્થે આવેલ માલના ઢગ ખડકાયેલા છે તેમને
સુરક્ષિત શેડવાળી જગ્યાએ ખસેડવા માર્કેટયાર્ડના ચેરમેન, સેક્રેટરીએ
વેપારીઓને તાકીદ કરી છે.
તકેદારીના પગલાં લેવા અપીલ
બનાસકાંઠા જિલ્લામાંમાવઠા જેવુ વાતાવરણ હોવાના કારણે
શાકભાજી, જીરૃ, ધાણા, ઘઉં તેમજ રાયડાના
પાકમાં અત્યારે પિયત આપવાનું મુલતવી રાખી,વરસાદી
પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી,
કાપણી કરેલ પાક ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવો, ફુગજન્ય રોગના
લક્ષણો જણાય તો ફુગનાશક દવાનો કૃષિ યુનિવસટીની ભલામણ મુજબ છંટકાવ કરવો, દિવેલા પાકમાં
ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ઉભા પાકમાં એકલ દોકલ દેખાતી ઇયળ વિણાવી નાશ કરવો તેમજ
છોડ દીઠ ચાર ઇયળો જોવા મળે ત્યારે સ્પીનોસાદ ૩ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી
છંટકાવ કરવા જણાવ્યું છે.
કડી યાર્ડમાં બુધવાર અને ગુરૃવારે ડાંગરની હરાજી બંધ રહેશે
ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં ફેરફાર ની
હવામાન દ્વારા આગાહી આપવામાં આવી છે. કડી તાલુકામાં ડાંગરનો પાક વધુ પ્રમાણમાં થતો
હોવાથી કડી તાલુકાના ખેડૂતો કડી માર્કેટયાર્ડમાં ડાંગરનો પાક લઈને આવતા હોવાથી
વરસાદની આગાહીના પગલે કડી માર્કેટયાર્ડ મા ડાંગરના માલનો બગાડ ન થાય તેના ભાગરૃપે
કડી માર્કેટયાર્ડ બુધવાર અને ગુરુવારના દિવસે ડાંગર ની હરાજી તથા તેનું સંપૂર્ણ
કામકાજ બંધ રહેશે કડી તેવું માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું.
ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ માલ સેડની અંદર
માર્કેટયાર્ડના સેક્રેટરીની સૂચના
બનાસકાંઠા જિલ્લામાં ફરી હવામાન વિભાગે તારીખ ૩૦ થી ૨ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અગાઉ પણ હવામાન વિભાગની આગાહી મુજબ સતત
બે દિવસ કમોસમી વરસાદ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું. તો
બીજી તરફ ઉત્તર ગુજરાતના બીજા નંબરનું સ્થાન ધરાવતું ડીસા માર્કેટયાર્ડ જેમાં મોટા
પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે અને અગાઉ હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ
થયો હતો. જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેડૂતો તેમજ વેપારીઓની મગફળી
કમોસમી વરસાદના લીધે નુકસાન થયું હતુ.
તેને લઈને ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતલાલ જોશીએ સોશિયલ મીડિયા
દ્વારા તેમજ માર્કેટયાર્ડમાં તમામ વેપારી તેમજ ખેડૂતોને વરસાદને લઇ પોતાનો માલ
સેડની અંદર ખસેડવાની સૂચના આપી હતી.


