ચાણસ્મા,તા.19 એપ્રિલ 2019, શુક્રવાર
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે ભરાયેલો ચુંવાળ પંથકનો ચાનક મઢ્યો ચૈત્રી પૂનમનો ભવ્ય લોકમેળો આજે હર્ષોલ્લાસ સાથે સુખરૃપ સંપન્ન થયો હતો. મેળામાં તંત્રના ૧૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવવાના અંદાજ સામે ગરમી અને ખેતી કામની સિઝનને લઈ ખાસ્સો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે રાત્રે બહુચર માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.
યાત્રાધામ બહુચરાજીમાં આજે મા બહુચરના પ્રાગટય દિને મૈયાના દર્શન માટે ગઈ રાતથી જ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. બહુચરાજીને જોડતા મહેસાણા, કડી, પાટણ, વિરમગામ, સુરેન્દ્રનગર, હારીજ સહિત ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર હજારો ભક્તોની ભીડ જામી હતી અને ગુરુવારે સાંજથી શરૃ થયેલો ભક્તોનો પ્રવાહ શુક્રવારે માઈધામમાં ઠલવાયો હતો. દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ભક્તો મંદિરના ગર્ભગૃહમાં પહોંચી માના દર્શન કરતાં જ ભાવ-વિભોર બની મૈયાના જયજયકાર કરીમંદિર ગજવતા હતા. આજે દિવ્ય નજારો દિવસભર ચાલુ રહ્યો હતો. માના દર્શન કરી ભક્તોએ મેળાની મોજ માણી હતી. મેળાના મેદાનમાં ઊંચા ઊંચા ચકડોળ, ચકરડીઓ, ટોરાટોરા, મોતનો કૂવો સહિતના મનોરંજક સાધનોમાં બેસી લોકોએ ભરપુર આનંદ ઉઠાવ્યો હતો. જ્યારે ખાણી-પીણી બજાર ભરાયું હતું.
ગરમીથી રાહત માટે ફુવારા ગોઠવાયા
ગરમીના કારણે માઈભક્તોને તકલીફ ના પડે તે માટે મંદિર પરિસરમાં ફુવારા લગાવવામાં આવ્યા હતા. તો દર્શન માટે લાઈનમાં ઉભેલા દર્શનાર્થીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ હતી. બહેનો અને ભાઈઓ માટે દર્શન માટે અલગ લાઈન, ભેટ કેન્દ્રો, લાઈવ પ્રસારણ વગેરે વ્યવસ્થા કરાઈ હતી. માના દર્શને આવેલા શ્રધ્ધાળુઓ માટે એક કરોડ રૃપિયાનો વીમો ઉતરાવાયો હતો.
બહુચર મૈયાની પરંપરાગત શોભાયાત્રા નીકળી
દર વર્ષે ચૈત્રી અને આસો સુદ પૂનમ નિમિત્તે બહુચરાજીથી શંખલપુર ગામે મા બહુચરના આદ્યસ્થાનકે જતી શોભાયાત્રા આજે પૂનમની રાત્રે ૯ વાગે નિજમંદરથી પ્રસ્થાન પામી હતી. આ સમયે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી હતી. આ પરંપરા ગાયકવાડ મહારાજ વખતથી ચાલી આવે છે. શોભાયાત્રા શંખલપુર ગામે પહોંચતાં ટોડા ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા ઉમંગભેર ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. જેમાં બોલ માડી બહુચર જયજય બહુચરનો નારો ગુંજી ઉઠયો હતો.
શંખલપુર મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર્યું, અન્નકૂટ ભરાયો
બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે આજે ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચર માતાજીના આદ્યસ્થાનકે હજારો શ્રધ્ધાળુઓએ ઉમટી પડી દર્શનનો લ્હાવો લીધો હતો. ગુરુવાર રાતથી લઈને શુક્રવાર રાત સુધી ભક્તોની અવરજવરથી મંદિર પરીસર ધમધમતું રહ્યું હતું.
ચૈત્રી પૂનમને લઈ શંખલપુર મંદિરને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો હતો. તેમજ માતાજીને અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં ૩૦ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. તેમજ સંઘ માટે ઉતારાની વ્યવસ્થાને લઈ શ્રધ્ધાળુઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. માઈ મંદિર ેપૂનમની પહેલી ધજા માઈ ભક્ત નરભેરામ સોરિયા પરિવાર (મોરબી ઘુંટુ) દ્વારા અર્પણ કરાઈ હતી. પૂનમ નિમિત્તે ૨૫૦થી વધુ સંઘો અને એક હજાર જેટલી ધજા મંદિરના શિખરે અર્પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મેળામાં આવતા શ્રધ્ધાળુઓ માટે શંખલપુર યુવક મંડળનો કેમ્પ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં ન્હાવા, ધોવાથી લઈને નાસ્તા સુધીની વ્યવસ્થા અને મેડિકલ સુવિધા ઉભી કરાઈ હતી. આ સિવાય અનેક સેવા કેમ્પો ઉભા કરાયા હતા. રાત્રે ગગન જેઠવા અને પૂજા ચૌહાણ સહિતના કલાકારોએ ડાયરાની જમાવટ કરી હતી. જેનો ભક્તોએ આનંદ લીધો હતો.


