ગાંધીનગર, તા. 2 જુલાઇ 2020, ગુરુવાર
સઇજ હાઇવે પરથી તાલુકા પોલીસે ૧૨૦ નંગ દારૂની બોટલ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે સાંતેજ પોલીસે પણ વિદેશીદારૂની ચાર બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારે કલોલ શહેર પોલીસે બિયરના ૧૧ નંગ ટીન સાથે એક શખ્સને પકડી પાડયો હતો.
કલોલ તાલુકા પોલીસે બાતમીને આધારે સઇજ હાઇવે પર વોચ ગોઠવી હતી એ બાતમીવાળી કાર આવતા પોલીસે અટકાવી કારની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની ૧૨૦ નંગ બોટલ કિંમત રૂપિયા ૪૮૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર વિશાલ ગોવિંદભાઇ પરમાર રહે.ડોડીયાવાળા ગામ તા.બહુચરાજી અને મિલન હસમુખભાઇ પરમાર રહે.ગોમતીપુરની ધરપકડ કરી હતી. તેમજ આ કેસમાં કટોસણના નવઘણસિંહને વોન્ટેડ બતાવીને પોલીસે વિદેશીદારૂ, બે મોબાઇલફોન અને કાર મળી કુલ રૂપિયા ૨,૦૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સાંતેજ પોલીસે પણ બાતમીને આધારે સબાસપૂર કેનાલ પાસે વોચ ગોઠવી મોપેડ પર જતા ઇરાણાના રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ અને ઘનશ્યામસિંહ રણજીતસિંહ સોલંકીને અટકાવી મોપેડની તલાશી લેતાં તેમાંથી વિદેશીદારૂની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વિદેશીદારૂ અને મોપેડ મળી કુલ રૂપિયા ૧૧,૯૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ત્યારે કલોલ શહેર પોલીસે પણ બાતમીને આધારે બાવાવાળા વાસમાં દરોડો કરી જયંત ઉર્ફે પપ્પુ દિલીપભાઇ સુર્યવંશીને ૧૧ નંગ બિયર સાથે ઘરેથી ઝડપી લીધો હતો. પોલીસે મોબાઇલફોન અને બિયર મળી કુલ રૂપિયા ૬૩૯૭ નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.


