મોટી ભોયણની કંપનીમાં 20 શખ્સોનો હુમલો : પાંચ ઘાયલ
- છુટ્ટા પથ્થરો, લાકડ- ધોકા અને પાઇપ લઇ ટોળાએ આતંક મચાવતા ફરિયાદ દાખલ
કલોલ, તા. 22 જુલાઇ 2020, બુધવાર
મોટી ભોંયણમાં આવેલી કંપનીમાં કામ કરતા કારીગરો ઉપર અંદાજે ૨૦ જેટલા વ્યક્તિઓના ટોળાએ હુમલો કર્યો હતો. છુટ્ટા પથ્થર અને લાકડી, ધોકા અને પાઇપ જેવા હથિયારોથી હુમલો થતાં કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે પોલીસે ટોળા સામે ગુનો દાખલ કર્યો છે.
કલોલના મોટી ભોયણમાં આવેલી સિંઘલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં કામ કરતા ત્રણ કારીગરો ગઇકાલે રાત્રે ખરીદી કરવા ગયા હતા. ત્યારે રાત્રે તેઓ દોડતા દોડતા કંપની તરફ આવી રહ્યા હતાં. તેમની પાછળ ત્રણ શખ્સો મારવા દોડતા હતા. આ દ્રશ્ય જોઇને કંપનીના સિક્યુરીટીએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. જો કે ત્યારબાદ રાત્રે પોણા અગિયારના સુમારે પિક અપ ડાલામાં તથા બાઇક ઉપર ૨૦ જેટલા શખ્સોનું ટોળું લાકડી, ધોકા અને પાઇપ લઇને આવ્યું હતું અને કંપનીમાં પથ્થર મારો કર્યો હતો તેમજ કંપનીમાં ઘુસી સિક્યુરીટી અને કારીગરો પર તુટી પડયા હતા. જેમાં કંપનીના સિક્યુરીટી ગાર્ડ જીતેન્દ્રસિંહ પવાર તેમજ ગણપતસિંહ, મોહની લાલ, પંકજ ગુપ્તા અને સોનું ગૌડને ઇજા થતાં તમામને સારવાર માટે કલોલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત સિક્યુરીટીની ફરિયાદને આધારે સાંતેજ પોલીસે મોટી ભોયણના મુકેશજી કાનાજી ઠાકોર સહિત ૨૦ જેટલા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.