ઉત્તર ગુજરાતમાં વધુ 32 પોઝિટિવ કેસ, 3ના મોત
- મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઈલ
- સાંઈક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેસાણાના બે દર્દી અને પાટણના આધેડનું મોત થયું
મહેસાણા,
પાલનપુર,તા. 15 જુલાઈ, 2020, બુધવાર
આફટર લોકડાઉન ઉત્તર ગુજરાતમાં લોકલ ટ્રાન્સમીશનને કારણે
કોરોના વાયરસ સંક્રમણનો વ્યાપ ચિંતાજનક વધી રહ્યો છે. બુધવારે મહેસાણામાં ૧૯, બનાસકાંઠામાં ૧૨,
પાટણમાં ૧ મળી કુલ ૩૨ કોરોના પોઝિટીવ
કેસ સામે આવ્યા છે. જ્યારે મહેસાણાની સાંઈ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ
રહેલા શહેરના ૨ કોરોના પોઝિટિવ દર્દીઓને તેમજ પાટણમાં રહેતા ૫૦ વર્ષીય આધેડનું મોત
થયું હતું.
મહેસાણા શહેર અને જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી કોરોના
સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.
મહેસાણા જિલ્લામાં ૧૬ પુરુષ અને ૩
મહિલાઓ સહિત કુલ ૧૭ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં ઊંઝાના આઈ ડેન્ટલ
હોસ્પિટલના કર્મચારી તેમજ એક વેપારીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા
હોસ્પિટલને સેનેટાઈઝ કરવામાં આવી છે. જ્યારે
મહેસાણાના ૬૦ વર્ષીય વૃધ્ધ અને તળેટીમાં રહેતા ૭૪ વર્ષીય વૃધ્ધનું સાંઈ
ક્રિષ્ણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી પોઝિટિવ
કેસોની સંખ્યા ૫૬૮ થઈ છે. જે પૈકી ૩૨૯ વ્યક્તિઓને સાજા થતા હોસ્પિટલમાંથી રજા
આપવામાં આવી છે. હાલ ૧૯૭ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
જિલ્લાનો મૃત્યુ આંક ૪૨ થયો છે. પાટણ જિલ્લામાં બુધવારે ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે.
જ્યારે શહેરના યશ ટાઉનશીપમાં રહેતા ૫૦ વર્ષીય આધેડને સારવાર માટે મહેસાણાની ખાનગી
હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લાનો કુલ
મૃત્યુઆંક ૩૨ થયો છે. જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૪૫ પર પહોંચી છે. બનાસકાંઠા જિલ્લામાં એક સાથે વધુ ૧૨ પોઝિટિવ
કેસો સામે આવ્યા છે. જેમાં પાલનપુરના ૯,
ડીસાના ૨ અને થરાદના ૧ કેસનો સમાવેશ થાય છે. જિલ્લાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા
૪૫૫ થઈ છે.
દર અડધા કલાકે નવો એક કોરોના પોઝિટિવ કેસ
ઉત્તર ગુજરાતમાં દર અડધા કલાકે કોરોના પોઝિટિવ નવો એક કેસ
ઉમેરાય છે. લોકલ ટ્રાન્સમીશનને કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો ચિંતાજનક
વ્યાપ વધી રહ્યો છે. આ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી રોજ ૫૦થી ૬૦ કોરોના પોઝિટિવ
દર્દીઓ સામે આવી રહ્યા છે.
મહેસાણા અને કડી પંથક કોરોનાનું હોટસ્પોટ બન્યું
અનલોક ૦૨ દરમિયાન મહેસાણા જિલ્લામાં કોરોના વાઈરસનો જાણે
વિસ્ફોટ થયો હોય તેવી પ્રતિતી થઈ રહી છે. જેમાં મહેસાણા અને કડી શહેર અને તેમાં
સમાવિષ્ટ ગામડાઓ હોટસ્પોટ બન્યા છે. તંત્ર દ્વારા જે વિસ્તારમાં પોઝિટિવ કેસ
નોંધાયા ત્યાંના આઠ, દસ
મકાનોને કોરોન્ટાઈન જાહેર કરી સંતોષ માનવામાં આવતો હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો
છે.
મહેસાણા સબજેલના બે કેદીઓ સંક્રમિત થતા હડકંપ
મહેસાણા ખાતે આવેલ સબજેલમાં રાખવામાં આવેલા કેદીઓ પૈકી બે
યુવાન કેદીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. ૩૧
વર્ષીય અને ૨૦ વર્ષીય કેદીમાં કોરોનાના લક્ષણો જણાતા તેઓને સારવાર માટે કોવિડ
હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓના રિપોર્ટ પોઝિટિવ આવતા મહેસાણાની સબજેલને
સેનેટાઈઝ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.