મહેસાણામાં ગાંજાનું ખુલ્લેઆમ થતું વેચાણ
- ભરચક રહેણાંક વિસ્તારોમાં વેચાતું ઝેર, યુવાનો બરબાદીના આરે
- ગાંજો 50 ગ્રામ લેખે રૂપિયા 70માં મળે છેઃ પોલીસના કોઈ ડર વગર બિન્દાસ્ત મોતનો કાળો કારોબાર
મહેસાણા,તા.20 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
મહેસાણાના ભરચક કહી શકાય તેવા રહેણાંક વિસ્તારોમાં પોલીસના કોઈ ડર વગર બિન્દાસ્ત ગાંજાનુ વેચાણ થઈ રહ્યું છે. ખુલ્લેઆમ વેચાતા ગાંજાને કોઈપણ ઉંમરનો યુવાન ખરીદી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. વહેલી સવારથી માંડી મોડી રાત સુધી આ મોતનો સામાન વેચાઈ રહ્યો છે. શહેરમાં દારુ-જુગાર બાદ ગાંજાનું વેચાણ વધતા યુવાનો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે.
શહેરના સોમનાથ રોડ ઉપર વાલ્મિકી નગરમાં હજારો લોકોના વસવાટની વચ્ચે આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આ બાબતે નામ ન આપવાની શરતે અહીં રહેતા લોકોએ જણાવ્યું કે અગાઉ આ બાબતે અનેકવાર રજૂઆતો કરી છે પણ છતાં ગાંજાનુ વેચાણ થઈ રહ્યું છે. ઘરના બહાર જ માથાભારે તત્વો ગાંજાનુ વેચાણ કરી રહ્યા છે. રૃપિયા ૭૦ લેખે ૫૦ ગ્રામ ગાંજો મળી રહ્યો છે. આ ભાવ લેખે ગમે તેટલો ગાંજો ખરીદી શકાય છે. અગાઉ મહેસાણા પોલીસે આ અંગે રેડ કરી છે પણ છતાં માથાભારે શખસો ગાંજાનુ વેચાણ કરી રહ્યા છે. શહેરમાં ગાંજાની સાથે દારૃ અને જુગારની પ્રવૃત્તિ પણ વધી ગઈ છે. આ અંગે પોલીસ કડક પગલાં ભરે તેવી અહીંના રહેવાસીઓએ માંગ કરી છે.
શહેરમાં કઈ જગ્યાએ ગાંજો મળે છે?
૧. સોમનાથ રોડ, વાલ્મીકીનગર
૨. હાઉસીંગ, એક માળિયા વિસ્તાર (અંધેરી)
૩. કસ્બા
૪. ટી.બી.રોડ
અગાઉ પોલીસે રેડ કરી હતી
આ વિસ્તારોમાં અગાઉ પોલીસે રેડ કરી ગાંજો ઝડપ્યો હતો. છતાં ફરી બિન્દાસ્ત તેનું વેચાણ શરૃ થઈ ગયું છે. અહીં રહેતા લોકો પણ આ કારોબારથી કંટાળી ગયા છે.