સે-8 સમર્પણ કોલેજ પાસે કારની અડફેટે ચાલતાં જતાં વૃધ્ધનું મોત
- ઈન્દ્રોડાના વૃધ્ધને અકસ્માત સર્જી કારચાલક જ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો
ગાંધીનગર, તા. 27 જૂન 2020, શનિવાર
ગાંધીનગર શહેરમાં અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે ગઈકાલે સવારના સમયે સે-૮ સમર્પણ કોલેજ પાસે ઈન્દ્રોડા ગામના વૃધ્ધ ચાલતાં જઈ રહયા હતા તે દરમ્યાન કારે તેમને અડફેટે લીધા હતા અને કાર ચાલક જ તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ ગયો હતો. જયાંથી તેમને અમદાવાદ સિવિલ ખસેડાયા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે સે-૭ પોલીસે ગુનો નોંધ્યો છે.
ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઈન્દ્રોડા ગામમાં રહેતા વૃધ્ધ બાવાજી ઠાકોર ગઈકાલે સવારના સમયે સરિતા ઉદ્યાનથી છ-૩ સર્કલ તરફ ચાલતા જઈ રહયા હતા તે દરમ્યાન સે-૮ સમર્પણ કોલેજ પાસે કાર નં.જીજે-૧૮-બીસી-૭૪૨૭ના ચાલકે બાવાજીને અડફેટે લીધા હતા અને તેમને શરીરે ઈજાઓ પહોંચતા કાર ચાલક તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારબાદ તેમની તબીયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમ્યાન રાત્રે વૃધ્ધનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે તેમના પુત્ર બચુજી ઠાકોરે સે-૭ પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ આપતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.