Get The App

મહેસાણા નગરપાલિકામાં બાગીઓ અને કોંગ્રેસીઓ વચ્ચે આક્ષેપબાજી

- કારોબારીમાં સિક્યુરીટીના ટેન્ડર મુદ્દે વિવાદ

- કારોબારી ચેરમેને 4 કોંગી નગરસેવકો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ પ્રદેશ પ્રમુખને ફરિયાદ કરીઃ કારોબારી ચેરમેનેજ અગાઉ સીટી બસનું ટેન્ડર રદ્દ કર્યું હતું

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
મહેસાણા નગરપાલિકામાં  બાગીઓ અને કોંગ્રેસીઓ વચ્ચે આક્ષેપબાજી 1 - image

મહેસાણા,તા.11 જુલાઈ 2020, શનિવાર

મહેસાણા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી છતાં પોતાની સત્તા ટકાવી રાખવામાં નિષ્ફળ ગયેલા કોંગી કોર્પોરેટરો ફરી વિવાદના વંટોળે ચઢ્યા છે. કારોબારી ચેરમેનનું પદ કોંગ્રેસ પાસે હોવાથી આ વિવાદ વધુ મોટો થયો છે. જેમાં સિક્યુરીટીના ટેન્ડરમાં ગોલમાલ થયાનું અગાઉ ભાજપ અને કોંગ્રેસ બન્નેના નગરસેવકો આક્ષેપ કરી ચુક્યા છે. આ ટેન્ડર આપવા મુદ્દે ગઈકાલે મળેલી સામાન્યસભામાં ડખો થયો હતો. ચાડા ચાર વર્ષથી કોંગ્રેસની સાથે રહેલા ૪ કોર્પોરેટરો સામે કારોબારી ચેરમેને પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી છે, તો કારોબારી ચેરમેનનો કાળો ચીઠ્ઠો શહેર કોંગ્રેસ સમિતિએ લેખિતમાં પ્રદેશ કક્ષાએ પહોંચાડી દીધો છે.

મલાઈદાર સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ મુદ્દે કોંગ્રેસના સભ્યો વચ્ચે ડખો ઉભો થયો છે. જેમાં કારોબારી ચેરમેન નવીન પટેલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને એક લેટર લખ્યો છે. જેમાં કોંગ્રેસના ૮ સભ્યો પૈકી ૪ સભ્યો એટલે કે જયદિપસિંહ ડાભી, શારદાબેન પરમાર, દિનેશભાઈ પટેલ અને નિમિષા પટેલ સામે આક્ષેપો કર્યા છે. તેમણે આ ચાર કોર્પોરેટરોની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ સામે પણ આક્ષેપો કર્યા છે. તેમાં તેમણે વધુ ઉમેર્યું છે કે, આ સભ્યો વારંવાર પરેશાન કરે છે, કોઈ કામ કરવા દેતા નથી. અન્ય ત્રણ સભ્યો જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા તેમને પરત લાવવા માટે મથી રહ્યા છે. જે કોંગ્રેસને નુકસાન થાય તેમ હોઈ આ પાંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

સામે પક્ષે શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોએ અમિત ચાવડાને લેટર લખીને એવી રજૂઆતકરી છે કે, ૪ થી ૫ મહિના પહેલા જ્યારે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે મહેસાણા શહેરની પ્રજાને સીટી બસ સેવા આપવાનું વચન ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું. પક્ષ પ્રમુખનો આદેશ હોવાછતાં પ્રભારી હિમાંશુ પટેલની હાજરીમાં ચેરમેન નવીન પટેલે સીટી બસ નામંજૂર કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓના ઉપરવટ જઈ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે અવિશ્વાસ દાખલ કરી હતી. હવે જ્યારે સિક્યુરીટી કોન્ટ્રાક્ટમાં મલાઈની મિલીભગત બહાર આવતા સુફિયાણી વાતો કરી પ્રદેશ પ્રમુખને રજૂઆત કરે છે. જેથી આપ આ મુદ્દે કડક પગલાં ભરો તેવી અમારી માંગ છે.

કોંગ્રેસના નેતા પાસેથી પૈસા માંગતો વિડીયો વાયરલ થયો

આ અંગે અત્યંત આધારભૂત સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, ટેન્ડર માટે એક કોંગી નેતાએ ભલામણનો ફોન કર્યો હતો. કોંગ્રેસના નેતા હોવાછતાં તેમની પાસેથી પૈસાની માંગણી કરાઈ હતી. અને આ વિડીયો કોંગ્રેસના અમુક નેતાઓ પાસે છે અને તેમણે ગૃપમાં વાયરલ પણ કર્યો હતો. જો આ વાતમાં કોઈ તથ્ય હોય તો મહેસાણાની પ્રજા સાથે દગો કરનારા નેતાઓને પાઠ ભણાવવો જોઈએ તેવી પણ એક માંગ ઉઠી છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમને નવીન પટેલે ઉશ્કેર્યા હતા

મહેસાણા નગરપાલિકાના કોંગી કોર્પોરેટરમાં વધુ એક વિવાદ થયો છે. જેમાં મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિએ પૂર્વ પ્રમુખ રઈબેન વિઠ્ઠલદાસ પટેલ અને પટેલ વિરમ નારણભાઈએ એવા આક્ષેપ સાથે અમિત ચાવડાને રજૂઆત કરી છે કે, મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીની અવિશ્વાસ દાખલ કરાવવા તેમજ પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરવા કારોબારી ચેરમેન નવીન પટેલે અમને ઉશ્કેર્યા હતા. આમ, નવીન પટેલની વિરુદ્ધમાં પ્રદેશ કોંગ્રેસમાં વધુ એક રજૂઆત થઈ છે.

Tags :