ઉકળાટ બાદ પાટનગરમાં વરસાદ વરસતાં ઠંડક પ્રસરી
- ગત સપ્તાહે ધોધમાર વરસાદ બાદ વિરામ લેતાં બદલાયેલા હવામાનના કારણે ઉકળાટ ભર્યા વાતાવરણથી નગરજનો અકળાઇ ગયા હતા
ગાંધીનગર, તા. 30 જુલાઇ 2020, ગુરૂવાર
ગાંધીનગર શહેરમાં થોડા દિવસ અગાઉ ભારે પવન સાથે બે-ત્રણ દિવસ સુધી વરસાદ પડયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ વરસાદે વિરામ લીધો અને હવામાનમાં પલટો આવતાં ભેજના પ્રમાણમાં ઘટાડો થવાથી ઉકળાટમાં લોકો અકળાઇ ઉઠયાં હતાં. આમ ગુરુવારે મોડીસાંજે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી પણ નગરજનોને રાહત મળી છે. ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરાઇ છે.
રાજ્યના પાટનગરમાં આ વર્ષે ચોમાસાની મોસમમાં વરસાદ પણ આંતરે દિવસે વરસી રહ્યો છે.જેેના પગલે વાતાવરણમાં પણ અવાર નવાર ફેરબદલ નોંધાઇ રહ્યો છે અને ઉકળાટનો પણ લોકોને સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા બે-ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ પડયો હતો. આમ વરસાદે વિરામ લેતાં પુનઃ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને તાપમાનના પારામાં વધારો થવાની સાથે સાથે ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાતાં અસહ્ય ઉકળાટનો સામનો લોકોને કરવો પડી રહ્યો હતો. ઉકળાટમાં થઇ રહેલાં વધારાના પગલે નગરજનો અકળાઇ ગયા હતા. ત્યારે ગુરુવારે સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો. આમ પવનની સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો ઝરમર વરસાદ ચાલુ રહેતાં શહેરમાં મુખ્ય અને આંતરિક માર્ગો ભીંજાયા હતાં. આમ ગુરુવારે સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટનો સામનો કર્યા બાદ મોડી સાંજે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોએ પણ રાહત પ્રાપ્ત કરી છે ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.