વાહનમાં પેસેન્જર બેસાડીને નજર ચુકવી દાગીના ચોરતી મહિલા પકડાઈ
ગાંધીનગર, તા. 25 જુલાઇ 2020, શનિવાર
ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે હાથીજણથી બાતમીના પગલે એક મહિલાને ઝડપી પાડી હતી જેણે તેના સાગરીતો સાથે મળીને સે-૭ પોલીસની હદમાં ચાર વર્ષ અગાઉ મુસાફરને વાહનમાં બેસાડીને તેના દાગીના ચોરી લીધા હતા.
ગાંધીનગર જિલ્લામાં નવી નવી ગઠીયા ગેંગ સક્રિય થઈ રહી છે ત્યારે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે અને નવા ગુનાઓ બનતા અટકાવવા તાકીદ કરી હતી. જેના પગલે એલસીસીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ હજારીસિંહ અને હેકો.ભવાનસિંહે બાતમીના આધારે વિભાબેન રત્નાભાઈ પટેલ રહે.શાલીન હાઈટસ, હાથીજણને ઝડપી પાડી હતી. જેની પુછપરછ કરતાં તેણે વર્ષ ર૦૧૬માં તેના સાગરીતો ધર્મેન્દ્રસિંહ દરબાર અને અન્ય શખ્સો સાથે મળીને સે-૭ પોલીસની હદમાં એક મહિલાને જીપમાં બેસાડીને નજર ચુકવી દાગીના ચોરી લીધા હતા. સે-૭ પોલીસ મથકમાં નોંધાવેલા આ ગુનામાં ચાર વર્ષથી આ મહિલા નાસતી ફરતી હતી જેને ઝડપી પાડીને સે-૭ પોલીસના હવાલે કરવામાં આવી છે. નોંધવું રહેેશે કે જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં નોંધાતાં ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.