ઉત્તર ગુજરાતમાં અકસ્માતોની હારમાળાઃ 3 અકસ્માતમાં 8ના મોત
- ચિત્રાસણીનો અકસ્માત એટલો ભયાનક હતો કે લાશો બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવાઈ
- પાલનપુરના ચિત્રાસણીમાં રાજસ્થાનના એક જ સમાજના પાંચ, મહેસાણાના કોઠાસણ ચોકડી પાસે બે જ્યારે ડીસા નજીક એકનું મૃત્યુ
હેસાણા, પાલનપુર, ડીસા, તા.22 જુલાઈ 2020, બુધવાર
પાલનપુરથી આબુરોડ જતા નેશનલ હાઇવે પર આવેલ ચિત્રાસણીના ઓવર બ્રિજ નજીક રાત્રીના સમયે રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલી એક કાર રોડ સાઇડના નાળાની દીવાલ સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિ પૈકી ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા હતા. અને ગંભીર ઘાયલ બે વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. જોકે ભયાનક અકસ્માતમાં લાશો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી હતી. જ્યારે મહેસાણા જિલ્લાના કોઠાસણ ચોકડી અને જંત્રાલ રોડ પર સર્જાયેલ જુદા જુદા બે અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે ચાર વ્યક્તિને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવમાં દિનપ્રતિદીન વધારો થઇ રહ્યો છે. ત્યારે આખોલ ચાર રસ્તા નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બંન્ને અકસ્માતમાં ચાર વ્યક્તિને ઇજા થઇ
કોઠાસણ ચોકડી અને જંત્રાલ રોડ પર સર્જાયેલ અકસ્માતમાં બેના મોત
કોઠાસણમાં બાઇક અને કાર વચ્ચે ટક્કર જયારે જંત્રાસ રોડ પર બે રીક્ષાઓ અથડાઇ
મૂળ મધ્યપ્રદેશના ગ્વાલીપરના વતની અને છેલ્લા ત્રણેક વર્ષથી સતલાસણમાં રહેતા અનુરાગ હાકીમસિંહ(ઉ.વ.૨૩)પોતાના મિત્રા રાકેશ બ્રિજમોહન શર્મા સાથે બાઇક ઉપર ફિલ્ડના કામઅર્થે જઇ રહ્યા હતા. તે વખતે કોઠાસણ ચોકડી નજીક કારે ટક્કર મારી હતી. જેમાં બાઇકસવાર બંન્નેના ગંભીર ઇજાઓ થઇ હતી. અને પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં અનુરાગનું કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતની વિગત પ્રમાણે વિજાપુરથી જંત્રાસ જઇ રહેલી રીક્ષા સાથે બીજા રીક્ષા અથડાતાં અંદર બેઠેલા મઘુબેન ઠાકોર, શારદાબેન, સવિતાબેન તમેજ રીક્ષાચાકને નાનીમોટી ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે વડનગર ખસેડયા હતા. જેમાં ગંભીરરીતે ઘવાયેલા શારદાબેનનું મોત નીપજ્યું હતું.
મહારાષ્ટ્ર જતી કાર નાળાની દીવાલ સાથે ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો
ચિત્રાસણી નજીક ગમખ્વાર અકસ્માતમાં રાજસ્થાનના એક જ સમાજના પાંચના મોત
કારમાં સવાર 3 વ્યક્તિના ઘટનાસ્થળે અને બેના સારવાર દરમ્યાન મોત નિપજ્યા
પાલનપુર નજીક આવેલ ચિત્રાસણ ગામના બ્રિજ નજીક મંગળવારની રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ આઇ ટેવન્ટી કાર રોડ સાઇડના નાળાની દીવાલ સાથે ધડાકાભેર ટકરાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેને લઇ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને ઇજાગ્રસ્તોની ચિચિયારીઓથી વાતાવરણ ગુજી ઉઠયું હતું. જેને લઇ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તેમજ ૧૦૮ને જાણ કરાતા પાલનપુર તાલુકા પોલીસ તાબડતોડ દોડી આવી હતી. અને ક્રેઈનની મદદથી કારમાં મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર નીકળવામાં આવ્યા હતા. જેમાં સવાર પાંચ મુસાફર પૈકી કાર ચાલક મનોજકુમાર ચુનીલાલ સુથાર રહે.ગંગાશહેર રામજી મંદિર પાસે બિકારનેર, શિવલાલ, પ્રેમચંદ સુથાર અને હરિરામ બાબુરામ સુથાર બંન્ને રહે.કાકડાતા નોખાજી બિકાનેર વાળાના ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર છોટુરામ શ્રીરામ સુથાર રહે.કાકડાતા બિકાનેર અને દેવેન્દ્રભાઇ જેતારામ સુથાર રહે.ચુરૃં રાજસ્થાન વાળા ગંભીર ઘાયલ થતા આ બંન્ને ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંન્ને ઇજાગ્રસ્તોના મોત નિપજ્યા હતા. બનાવ અંગે પાલનપુર તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કમનશીબ પાંચ મૃતકો
મનોજકુમાર ચુનીલાલ સુથાર રહે.ગંગાશહેર રામજી મંદિર પાસે બિકાનેર
શિવલાલ પ્રેમચંદ સુથાર, હરિરામ બાબુરામ સુથાર બંન્ને રહે.કાકડાતા નોખાજી બિકાનેર
છોટુરામ શ્રીરામ સુથાર રહે.કાકડાતા બિકાનેર
દેવેન્દ્રભાઇ જેતારામ સુથાર રહે.ચુરૃં
મુંબઇ ધંધાર્થે જતા સુથાર સમાજના પાંચ વ્યક્તિના મોત
બિકાનેરના કાકડાતા વિસ્તારમાં પાંચ વ્યક્તિ મંગળવારની સાંજે આઇ ટેવન્ટી કારમાં સવાર થઇ ધંધાર્થે મુંબઇ જવા નીકળ્યા હતા. દરમ્યાન રાત્રીના સાડા અગિયાર વાગ્યે ચિત્રાસણ નજીક કારના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડ સાઇડના નાળાની દીવાલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક સહિત પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા.
ક્રેઇનની મદદથી કારમાં ફસાયેલ લાશો બહાર કાઢાઇ
રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કારમાં કચ્ચરધાણ નીકળી ગયો હતો. અને કારમાં સવાર પાંચ વ્યક્તિ પૈકી ત્રણના ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યા હતા. અને બે ઘાયલ વ્યક્તિને બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવાઇ હતી.
જવાનજોત પુત્રના મોતથી માતાનો કલ્પાંત
ટ્રેલરે બાઇકને ટક્કર મારતા માતાની નજર સામે પુત્રનું મોત
ડીસાની આખોલ ચોકડી પાસે બનેલ બનાવઃ ટ્રેલર મુકી ચાલક ફરાર થયો
ધાનેરા રોડ પર આવેલ વાલેર ગામના પરેશભાઇ ગણપતભાઈ નાઇ તેમની માતા સાથે બાઇક ઉપર ડીસા તાલુકાના ગોઢા ગામે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી આખોલ ચોકડી પાસેથી પોતાના ઘર વાલેર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુર ઝડપે આવી રહેલ ટ્રેલર ચાલકે બાઇક પર બેઠેલ માતા અને પુત્રને જોરદાર ટક્કર મારતા બષાઇક પર સવાર પરેશ ગણપતભાઇ નાઇ ઉ.વ.૨૦ અને તેની માતા રોડ પટકાયા હતા. જેમાં પુત્ર પરેશ ગણપતભાઇ નાઇ રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. તેની માતાને નાની મોટી ઇજા થવા પામી હતી. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક પોતાના ટ્રેલર લઇ ઘટના સ્થળેથી નાશી છુટયો હતો. પરંતું કંસારી ટોલનાકા પાસે ટ્રેલર ચાલકને પકડયો હતો. જોકે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.