Get The App

મહેસાણા જિલ્લા પંચાયત કચેરીના 961 અધિકારી-કર્મચારીની જગ્યાઓ ખાલી

- જિલ્લાના અનેક ગામોમાં ૧૬૫ તલાટી કમ મંત્રીની નિમણૂંક કરાઈ નથી

- આરોગ્ય ખાતાના કી-પોસ્ટ વેક્સિનેટર-૭૦, સ્ટાફનર્સની તમામ ૧૨ જગ્યા ખાલી છે, શાળા આરોગ્ય સુપરવાઈઝર એક પણ નથી

Updated: Nov 10th, 2021


Google NewsGoogle News
મહેસાણા જિલ્લા પંચાયત કચેરીના 961 અધિકારી-કર્મચારીની જગ્યાઓ ખાલી 1 - image

મહેસાણા, તા.10

ગુજરાત રાજ્યમાં આર્થિક ધરોહર અને ખેતી ક્ષેત્રે સિંહફાળો છે એવા મહેસાણા જિલ્લાના આશરે ૭૦૦થી વધુ ગામોના વિકાસના કામો કરવા માટે જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ કાર્યરત છે. આ સરકારી કચેરીઓમાં મંજૂર થયેલાં સ્ટાફના મહેકમ સામે ૪૦ ટકા કરતાં પણ વધુ અધિકારીઓ, કર્મચારીઓની ઘટ રહી છે. જિલ્લા પંચાયતના મંજૂર મહેકમ ૨૩૯૧ના કર્મચારીઓની સામે  હાલમાં ૯૬૧ જેટલી જગ્યા ખાલી રહી છે. જેની માઠી અસર સરકારી કામગીરી પર પડે છે.

મહેસાણા જિલ્લા પંચાયત કચેરીમાં કાર્યરત  જુદીજુદી વિભાગીય ઓફિસીસમાં લાંબા અરસાથી અધિકારીઓ, કર્મચારીઓની અસંખ્ય જગ્યાઓ ખાલી રહી છે. તેમજ વય મર્યાદાના કારણે પણ સ્ટાફ નિવૃત્ત થતો હોઈ તેની જગ્યાઓ પણ વણપુરાયેલી રહે છે. આટલું ઓછું હોય તેમ અધિકારીઓ, કર્મચારીઓની બદલી-બઢતી થયા બાદ પણ તેની ખાલી જગ્યાઓને ભરવામાં આવતી નથી. તેથી પણ સરકારી કચેરીઓના વહીવટી કામગીરી અને લોકોના પડતર પ્રશ્નોના નિરાકરણમાં અવરોધ ઉભો થતો હોય છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં કી-પોસ્ટ કહી શકાય તેવા અધિક મદદનીશ ઈજનેરની મંજૂર મહેકમ ૪૧ની જગ્યા સામે  ૨૯ ઈજનેર નથી. તેવી જ રીતે, નાયબ હિસાબનીશની મંજૂર મહેકમ  ૨૩ ની તમામ જગ્યા ખાલી છે. નાયબ તાલુકા વિકાસ અધિકારીની ૪ મંજૂર મહેકમની સામે ત્રણ નાયબ ટીડીઓ નથી. ફિમેલ હેલ્થ વર્કરના મંજૂર મહેકમ ૩૫૨  ની સામે હાલમાં ૧૨૩ વર્કરની જગ્યા ખાલી છે. તો વળી, જુનીયર ક્લાર્કના મંજૂર ૧૮૩ મહેકમની સામે ૧૨૫ કારકૂનની જગ્યા  પર નિમણૂંક બાકી છે. તેમજ જિલ્લામાં કમ્પાઉન્ડર (એલોપેથી) જુ.ફાર્માની મંજૂર મહેકમ ૫૮ કર્મચારી પૈકીની ૧૧ કર્મીની જગ્યા ખાલી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના અધિકારીઓને સરકારી કામકાજ માટે આવનજાવન કરવા લઈ જનાર ડ્રાઈવરની  ૭૨ જગ્યાના મંજૂર મહેકમ સામે હાલમાં સમ ખાવાના માત્ર ૩ જ ડ્રાઈવર ફરજ બજાવી રહ્યાં છે. બાકીની ૬૯ ડ્રાઈવરની નવી ભરતી કરાઈ નથી. વિભાગીય હિસાબનીશની બન્ને જગ્યા લાંબા અરસાથી ખાલી રહી છે. જિલ્લાના ગામડાઓના વિકાસકામો સાથે સંકળાયેલાં એવા ગ્રામસેવકની ૨૦૮ મંજૂર મહેકમ સામે ૯૩ ગ્રામસેવક નહી ં હોવાથી લોકોને પારાવાર હાડમારી વેઠવી ફરજિયાત બની છે. ઉપરાંત, જિલ્લામાં મંજૂર ૪૯૨ તલાટી કમ મંત્રીની સામે હાલમાં ૧૬૫ની જગ્યા ખાલી પડી છે. જેને સત્વરે ફાળવીને લોકોના કામોનો ઉકેલ લાવવામાં આવે તે આવશ્યક છે. જિલ્લામાં વર્ક આસીસ્ટન્ટની ૫૫ જગ્યા સામે હાલમાં એક માત્ર કર્મચારી છે અને તેની ૫૪ જગ્યા ઉપર નિમણૂંક અપાઈ નથી. ઉપરાંત, સિનિયર ક્લાર્ક (એકાઉન્ટ)ની ૧૦ જગ્યા, સિનિયર ક્લાર્કની ૩૫ જગ્યા, શાળા આરોગ્ય સુપરવાઈઝર-૧, સર્વેયર-૧, ટ્રેસર-૭, વાયરમેન-૧,ડીસ્ટ્રીક્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર-૨, મદદનીશ જિલ્લા મેલેરિયા અધિકારી-૧, ખેતી સુપરવાઈઝર-૧, હેડ ડ્રાફ્ટમેન-૧, હેડ મીકેનીક-૧, હેડ વાયરમેન-૧ અને આંકડા મદદનીશની ૮ જગ્યા લાંબા સમયથી ખાલી રહી છે. આમ, મહેસાણા જિલ્લા પંચાયતના અલગઅલગ વિભાગની કચેરીઓમાં સરકારે મંજૂર કરેલાં મહેકમ ૨૩૯૧ અધિકારીઓ-કર્મચારીઓની સામે ૧૪૩૦નો સ્ટાફ ફરજ બજાવતો હોઈ હાલમાં ૯૬૧ જેટલાં અધિકારીઓ, કર્મચારીઓની જગ્યા ખાલી રહી છે.


Google NewsGoogle News