Get The App

મહેસાણા જિલ્લાની જીવાદોરી ગણાતા ઘરોઈ ડેમમાં 604 ફૂટ પાણીનો સંગ્રહ

- ચોમાસામાં ચાર જળાશયોમાં પાણીની આવક ઘટતાં ઉનાળામાં ચિંતાના વાદળ સર્જાશે

- ધરોઈ ડેમમાંથી ત્રણ જિલ્લાના ૧૦ શહેર અને ૮૦૦ જેટલા ગામોને રોજ પીવાનું પાણી છોડવામાં આવે છે

Updated: Nov 11th, 2021

GS TEAM

Google News
Google News
મહેસાણા જિલ્લાની જીવાદોરી ગણાતા ઘરોઈ ડેમમાં 604 ફૂટ પાણીનો સંગ્રહ 1 - image

મહેસાણા,તા.10

ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈ, સીપુ, દાતીવાડા અને મુક્તેશ્વર જળાશયોમાં આ વર્ષે ચોમાસામાં વરસાદની રહેલી ઘટને કારણે પાણીની આવક ઓછી રહી હતી. જેના કારણે આગામી ઉનાળાના પ્રારંભે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પાણીની ખેંચ વર્તાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે, ધરોઈ ડેમમાંથી ત્રણ જિલ્લાના ૧૦ શહેર અને ૮૦૦ જેટલા ગામડાઓને રોજ પીવાનું પાણી આપવામાં આવે છે.

મહેસાણા જિલ્લાની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમની પાણીની સપાટી ૬૨૨ ફૂટ છે. તેમાં અત્યારે ૬૦૪ ફૂટ પાણીનો સંગ્રહ નોંધાયેલો છે. આ વર્ષે ચોમાસામાં જિલ્લામાં ૨૨.૬૪ ટકા જેટલા વરસાદની ઘટ રહી હોવા છતાં ઉપરવાસમાંથી આવેલા પાણીની આવકને કારણે જળાશયમાં આ વખતે ૩૭૮૩૧ કરોડ લીટર નવા નીરનો ઉમેરો થયો હતો.જેના લીધે પીવાના પાણીની સમસ્યા ઉકેલાય તેવી સંભાવના છે.જોકે,સિંચાઈના પાણી અપાશે કે કેમ તે અંગે અવઢવ જણાય છે. બીજી તરફ, બનાસકાંઠા જિલ્લામાં આવેલા મુકતેશ્વર, સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી સંગ્રહની પરિસ્થિતી ચિંતાજનક વર્તાઈ રહી છે.જેમાં સીપુ ડેમમાં નવા પાણી ઉમેરાયા ના હોવાથી માત્ર ૦૦.૭૫ ટકા પાણી હોવાથી જળાશયના તળીયા દેખાઈ રહ્યા છે.મુકતેશ્વર ડેમમાં ૧૨.૪૦ ટકા પાણી ભરાયું છે. જ્યારે દાંતીવાડા ડેમની ૬૦૪ ફૂટ પાણી સંગ્રહની ક્ષમતા સામે અત્યારે ૧૫.૫૪ ટકા સાથે ૧૮૦૦ એનસીએફટી પાણીનો સ્ટોક રહ્યો છે.

સીપુ ડેમમાં પાણીના તળીયા ઝાટક થયા

દાંતીવાડા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસામાં નહિવત વરસાદ પડયો હોવાથીસીપુ ડેમમાં પાણીની આવક સાવ ઓછી રહી છે.જળાશયમાં પાણી ના હોવાથી કોરોધોકાર બન્યો છે.પરિણામે આસપાસના ગામોના લોકોને પીવાના પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.જયારે ખેતી માટે સિંચાઈનું પાણી પણ છોડવામાં આવતું નથી.સીપુ ડેમમાં પાણના તળીયા ઝાટક થવાથી ખેડૂતોના બોરવેલના તળીયા ઉંડે જતાં તિંતાના વાદળો ઘેરાયા છે.

ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીની ખેંચ વર્તાશે

ઉત્તર ગુજરાતમાં આવેલા ઘરોઈ ડેમ સિવાય સીપુ, મુક્તેશ્વર અને દાંતીવાડા ડેમમાં આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટને લીધે પાણીની પુરતા પ્રમાણમાં આવક થઈ નથી. જેના લીધે આ જળાશયોમાં હાલ પાણીની સપાટી ચિંતાજનક જોવા મળી રહી છે.જેના લીધે આગામી ઉનાળાની ઋતુમાં લોકોને સિંચાઈ અને પીવાના પાણીની ખેંચનો સામનો કરવો પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

વારંવાર તૂટતી કેનાલોને કારણે પાણીનો વેડફાટ થાય છે

મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોને નર્મદા યોજનાનો નહીવત મળે છે.ધરોઈ, સીપુ, મુક્તેશ્વર અને દાંતીવાડા ઉપરાંત નર્મદા યોજનાની સબ કેનાલોના સિંચાઈના પાણી ઉપર નિર્ભર રહવું પડે છે.જોકે આ કેનાલોની નિયમિત સાફસફાઈ અને જાળવણીના અભાવે પાણી છોડવામાં આવે ત્યારે વારંવાર કેનાલો તુટી જવાની ઘટના સર્જાય છે.જેના લીધે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના કૃષિ પાકોને નુકશાન થાય છે.જ્યારે છેવાડાના વિસ્તારો સુધી પુરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પહોંચતું ન હોવાની બૂમ ઉઠે છે.

ધરોઈ ડેમમાંથી લાભપાંચમથી સિંચાઈ માટે પાણી આપવાનું શરૃ

ધરોઈ ડેમમાંથી રવિ પાક માટે લાભપાંચમના દિવસથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું શરૃ કરવામાં આવ્યું છે.પ્રથમ પિયત માટે ૨૦ દિવસ સુધી પાણી અપાશે. ત્યારબાદ ૧૦ દિવસની બ્રેક લીધા બાદ ફરીથી વાવેતરને બીજી પિયત માટે ૧૫ દિવસ સુધી સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કરાયો હોવાનું ધરોઈ ડેમના ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

Tags :