મહેસાણા તા.30 જુન 2020, મંગળવાર
મહેસાણાના બાયપાસ રોડ ઉપર નુગર સર્કલ નજીક આવેલી ધી ગ્રાન્ડ
તક્ષક હોટલના રૃમમાં તાલુકા પોલીસની ટીમે ઓચિંતી રેડ પાડીને દારૃની મહેફીલ માણી
રહેતા ત્રણ નબીરા સહીત ચારની ધરપકડ કરી હતી. જ્યારે સવલત પુરી પાડનાર હોટલના
મેનેજર સાથે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી છે.
આ કેસની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણા તાલુકા
પોલીસ પીએસઆઇ ડીએનવાંઝા પોતાના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગની કામગીરીમાં હતા તે
વખતે તેઓને બાતમી મળેલ કે શહેરના બાયપાસ રોડ પર નુગર સર્કલ નજીક આવેલી ધ ગ્રાન્ડ
તક્ષક હોટલના રૃમ નંબર ૨૦૭માં દારૃની મહેફીલ ચાલી રહી છે. તેના આધારે પોલીસની ટીમે
હોટલમાં ઓચિંતી રેડ પાડી હતી. જેમાં તપાસ દરમિયાન રૃમ નં.૨૦૭ માંથી વિદેશી દારૃની
મોજ માણી રહેલા ભાર્ગવ વિષ્ણુભાઇ પટેલ,
આકાશ ઓમપ્રકાશ ટાંક અને કુંદન શીવલાલ દાયમાને ઝડપી લીધા હતા. તેમની સાથે
મહેફીલની સવલત પુરી પાડનાર હોટલના મેનેજર મહેશ વસ્તાભાઇ રબારીની પણ ધરપકડ કરી હતી.
પોલીસે આ સ્થળેથી દારૃની બે બોટલો,
૪ મોબાઇલ, કાર સહિત
કુલ રૃ.૫૪૬૦૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ઝડપાયેલા આરોપીઓ વિરૃધ્ધ ગુનો
દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે.


