ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી નવા 25 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા
- સે-4માં વધુ 1 મોતઃ પત્નિ બાદ વૃધ્ધ પતિ પણ કોરોના સામેનો જંગ હાર્યા
ગાંધીનગર, 23 જૂન 2020, મંગળવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૬૦૦ની નજીક છે ત્યારે આજે નવા રપ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. સેક્ટર-૪માં બે દિવસ પહેલાં પત્નિના મોત બાદ ૬૫ વર્ષિય પતિનું આજે મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-૪/બીમાં રહેતાં ૬૨ વર્ષિય મહિલાનું બે દિવસ પહેલાં મૃત્યુ થયું હતું ત્યારે આજે ૬૫ વર્ષિય તેમના પતિનું પણ કોરોનાથી મોત નિપજ્યું છે. તેમની પુત્રી પણ અગાઉ કોરોના પોઝિટિવ આવી હતી. આ ઉપરાંત ગાંધીનગર શહેર અને જિલ્લામાં નવા રપ પોઝિટિવ કેસ નોંધાયાં છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૬/બીમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ૪૨ વર્ષિય કોન્ટ્રાક્ટરનો રીપોર્ટ પોઝિટિવ આવતાં ઘરના બે સભ્યોને કવોરેન્ટાઇન કર્યા છે. જીઈબી કોલોનીમાં રહેતાં ૫૮ વર્ષિય સરકારી કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે. જેમને ગાંધીનગર સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમજ સેક્ટર-૨૧માં પણ ૫૭ પુરુષ કોરોનાગ્રસ્ત થયાં છે. અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે સેવા બજાવતી અને કુડાસણમાં રહેતી ૫૫ વર્ષિય કોરોના વોરિયર્સ પોઝિટિવ આવી છે. સ્વામિનારાયણ ધામમાં સિક્યોરીટી જવાન તરીકે ફરજ નિભાવતા પપ વર્ષિય પુરુષ સંક્રમિત થયા છે. કોટેશ્વરમાં રહેતી ૫૧ વર્ષિય મહિલા પોઝિટિવ આવી જ્યારે કોટેશ્વરના ૭૦ વર્ષિય વૃદ્ધ પણ કોરોનામાં સપડાયાં છે. ભાટનો આધેડ પણ સંક્રમિત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અડાલજ રહેતા વૃધ્ધ કોરોનામાં સપડાયાં છે. જ્યોર સરગાસણમાં રહેતા ૬૭ વર્ષિય વૃધ્ધ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે ડભોડાની બેન્કમાં નોકરી કરતી રર વર્ષિય યુવતિ સંક્રમિત થઇ છે. આ ઉપરાંત દહેગામમાં સાત વર્ષનો બાળક અને ૫૬ વર્ષિય આધેડ કોરોનામાં સપડાયાં છે. જ્યારે કલોલ શહેરમાંથી ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. કલોલ શહેરમાંથી નવ પોઝિટિવ દર્દીઓ આજે સામે આવ્યા છે. જ્યારે સોજામાંથી ચાર વર્ષનું બાળક સંક્રમિત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.