પાટનગરમાં 2 અને કલોલમાં વધુ 3 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા
- ભોયણરાઠોડનો યુવાન, ઝુંડાલનો કર્મચારી, ભાટના 94 વર્ષિય વૃધ્ધા સંક્રમિત
ગાંધીનગર, તા. 12 જુન 2020, શુક્રવાર
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી આજે વધુ બે પોઝિટિવ દર્દીઓ મળી આવતાં કોરોનાના દર્દીઓનો આંકડો ૧૫૦ સુધી પહોંચી ગયો છે. સેક્ટર-૫/બીમાં રહેતા ટેક્ષી ડ્રાઇવર કોરોના પોઝિટિવ આવ્યા છે. ૪૪ વર્ષિય આ ટેક્ષી ડ્રાઇવરના પરિવારના ૧૦ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે આ પોઝિટિવ દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. તો સેક્ટર-૨૬માં રહેતો અને સેક્ટર-૨૩માં પાર્લર ધરાવતો યુવા વેપારી પણ કોરોનામા સપડાયો છે. આ પોઝિટિવ યુવાનના ઘરના આઠ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે તેના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓનું લીસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે ગાંધીનગર તાલુકાના ભોયણરાઠોડમાંથી પણ આજે પોઝિટિવ દર્દી સામે આવ્યો છે. ભોયણરાઠોડ ગામમાં રહેતો ૩૫ વર્ષિય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. જામનગરપુરા ભોયણરાઠોડમાં રહેતો આ યુવાન ખેતી કામ કરતો હોવાનું અને શાકભાજી માટે દર બે દિવસે કલોલ જતો હોવાનું સામે આવ્યું છે. જેને ગાંધીનગર સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગાંધીનગર તાલુકાના ઝુંડાલમાં રહેતો અને અમદાવાદ શાહીબાગ ખાતે આવેલી નાયબ નિયામકની કચેરીમાં જુનિયર ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતો ૪૪ વર્ષિય કર્મચારી સંક્રમિત થયો છે. ભાટમાં ફાર્મહાઉસમાં રહેતા ૯૪ વર્ષની જૈફવયના વૃદ્ધા સંક્રમિત થયા છે.
કલોલ શહેરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં કાનન રેસીડન્સીમાં રહેતો ૪૫ વર્ષિય ડાયાબીટીસનો દર્દી હતો. ત્યારે અનલોક-૧ બાદ તે છત્રાલની કંપનીમાં નોકરીએ જતો હતો. આજે તેનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને પરિવારના ત્રણ સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન અને ૮૦ લોકોને હોમ કવોરેન્ટાઇન કર્યા છે. ઉત્સવ ફલેટમાં રહેતો ૫૮ વર્ષિય આધેડ ગાંધીનગરમાં લેબરકામ કરે છે. તેમનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેના પરિવારના બે સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન અને ૮૦ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરાયાં છે. આલ્સિફા ફલેટમાં રહેતી ૫૭ વર્ષિય મહિલા લોકડાઉન દરમિયાન બરોડામાં હતા. જ્યારે ગત તા.૯ના રોજ કલોલમાં પરત ફરી હતી. તેણીને કોરોનાના લક્ષણો જણાતાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. મહિલાના પરિવારના એક સભ્યને ફેસેલીટી જ્યારે ૭૦ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કર્યાં છે.