Gujarat

ભાટ અને કોલવડામાં 2 મોત : કોરોનાના નવા 23 કેસ

By GS Team
19 Jun 20202 mins read
This article was originally published on 19 Jun 2020
ભાટ અને કોલવડામાં 2 મોત : કોરોનાના નવા 23 કેસ

ગાંધીનગર, તા. 19 જૂન 2020, શુક્રવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો વાયરસ ઘાતક અને જીવલેણ બની રહ્યો છે. ત્યારે આજે ગાંધીનગર તાલુકાના ભાટ અને કોલવડાના કોરોના પોઝિટિવ કુલ બે દર્દીઓના મોત થયાં હોવાનંુ સામે આવી રહ્યું છે. તો ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી વધુ ચાર પોઝિટિવ દર્દીઓ સહિત શહેર અને જિલ્લામાં ૨૧ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે. 

ગાંધીનગર નજીકના ભાટ ગામમાંથી ત્રણ દિવસ અગાઉ ૯૩ વર્ષિય વૃદ્ધા પોઝિટિવ આવ્યા હતા. જેમની સારવાર ચાલતી હતી. તે દરમિયાન આ વૃધ્ધાનું મોત નિપજ્યું છે. તો ગઇકાલે પોઝિટિવ આવેલા ગઢવીવાસના ૫૪ વર્ષિય પુરુષનું પણ આજે મોત થયું છે. આ સાથે ગાંધીનગર શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુ આંક ૩૫ સુધી પહોંચી ગયો છે. ત્યારે ગાંધીનગર શહેરી વિસ્તારમાં આજે વધુ ચાર પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. સીબીઆઇ ઓફિસમાં ફરજ નિભાવતા પ૦ વર્ષિય પુરુષ કે જે સેક્ટર-૬/એમાં રહેતા જેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેક્ટર-૩/એમાં રહેતા અને અમદાવાદની ફાર્માસીટીકલ કંપનીમાં નોકરી કરતાં ૪૨ વર્ષિય યુવાન કોરોનામાં સપડાયાં છે. ગ્રીનીસીટી સે-૨૬ ખાતે રહેતાં ૫૦ વર્ષિય પુરુષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ નર્મદા નિગમમાં ડે.એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં સેક્ટર-૨/સીમાં રહેતા ૫૯ વર્ષિય પુરુષ પણ કોરોનામાં સપડાયાં છે. જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

આ ઉપરાંત ગાંધીનગર તાલુકામાં ચિંતાજનક રીતે કોરોનાનો ચેપ પ્રસરી રહ્યો છે. કોલવડા ગઢવીવાસમાં વધુ એક આધેડ સંક્રમિત થયાં છે. સુર્યાસ્ટેટસ કુડાસણમાંથી બે પોઝિટિવ દર્દી સામે આવી રહ્યાં છે. જ્યારે ૩૦ વર્ષિય યુવાન પણ કુડાસણમાંથી સંક્રમિત થયો હોવાનું સામે આવી રહ્યું છે. રાંદેસણમાં પણ ૧૯ વર્ષિય બે અને ૩૦ વર્ષનો એક મળી કુલ ૩૦ યુવાન કોરોના પોઝિટિવ આવ્યાં છે. ખોરજમાં રહેતો ૩૧ વર્ષિય યુવાન સંક્રમિત થયો છે. ભાટમાંથી બે મહિલા કોરોનામાં સપડાઇ છે. જ્યારે કલોલ શહેરમાંથી છ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે કોરોના વોરિયર્સ દહેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતો યુવાન કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એટલું જ નહીં માણસાના આજોલમાં રહેતા ૫૦ વર્ષિય આધેડ પણ કોરોનાના શિકાર બન્યાં છે. આમ ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી નવા ૨૩ કેસ આજે સરકારી ચોપડે નોંધાયાં છે.ઉલ્લેખનીય છે કે જુના સચિવાલયના બ્લોક નં.પમાં ફરજ નિભાવતો ૪૧ વર્ષિય કર્મચારી પણ કોરોનામા પટકાયો છે.