ડરણ, સાદરા, અંબાસણ, મરતોલીમાં જુગાર રમતા 15 ઝડપાયા, 5 ફરાર
- ચારેય જુગારધામ પરથી રૂ.50 હજારની મત્તા કબજે
- જુગારના શોખીનોએ શહેરોને બદલે ગ્રામિણ વિસ્તારો પર પસંદગી ઉતારી
મહેસાણા,તા.27 જૂન 2020, શનિવાર
મહેસાણા જિલ્લામાં જુગારના શોખીનોએ શહેરોને બદલે હવે સલામત રહેવા ગ્રામિણ વિસ્તારો પર પસંદગી ઉતારી છે. પોલીસે જિલ્લાના ચાર ગામડાઓમાં ચાલતી જુગારની પ્રવૃત્તિના સ્થળે રેડ પાડી રૃ.૫૦ હજારની મત્તા સાથે ૧૫ આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે, પાંચ જણા ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે બાવલુ, કડી, લાંઘણજ અને સાંથલ પોલીસ મથકોમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કેસની સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણા જિલ્લામાં દારૃ જુગારની પ્રવૃત્તિઓ ડામવા પોલીસની ટીમોએ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન મળેલી બાતમી આધારે ચાર સ્થળોએ જુગારધામ ઉપર રેડ પાડી હતી. જેમાં ડરણના ખાડીયવાસમાં રહેતો પટેલ ભરત ઉર્ફે ભાટી તેના ઘરના ઉપરના માળે જુગાર ચલાવતો હોવાથી પોલીસે પાડેલી રેડમાં કાન્તી ગાંડાભાઈ પટેલ, રામા ગંગારામ પટેલ અને દિપક કનુભાઈ પટેલ પકડાઈ ગયા હતા. અને ભરત પટેલ, વાઘેલા જીતેન્દ્ર જીકાજી તેમજ હસમુખ પ્રહલાદ પટેલ ભાગી છૂટયા હતા. અહીંથી ૨૫૩૮૦ રૃપિયાની મત્તા કબજે લીધી હતી. સાદરાની સીમમાં ઓઈલ મિલ પાછળની રેડમાં રૃ.૧૦૨૭૦ની મત્તા સાથે ભીખુભા કાકુભા સોલંકી અને મહેન્દ્ર વખતસિંહ ઝાલા ઝડપાયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર જિગ્નેશ ઉર્ફે જીગો ઠાકોર અને હરેશ પપ્પુભા સોલંકી ફરાર થયા હતા. અંબાસણની સીમમાં અમદાવાદીયામાં ચાલતા જુગારધામથી રૃ.૧૩ હજારની મત્તા સાથે પંકજ કુવરજી ઠાકોર, તોસીફ જોરાવરખાન લોદી, અજીત રમેશભાઈ પટેલ, ઈશ્વર કેશવલાલ પ્રજાપતિ, ઈમરાન સોરાબખાન પઠાણ અને નટુ ઈશ્વરદાસ પટેલ ઝડપાયા હતા. જ્યારે મરતોલીના બગીચામાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેડ પાડીને રૃ.૧૮૦૦ની મત્તા સાથે અમૃત રામાજી ઠાકોર, વજાજી પ્રતાપજી ઠાકોર, વાઘા પ્રતાપજી ઠાકોર અને રમેશ બીજલજી ઠાકોરની ધરપકડ કરી હતી.