મહેસાણા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 12-12 કોરોના પોઝીટીવ કેસ
- મહેસાણા જિલ્લામાં રોકેટ ગતિએ કોરોનાનું સંક્રમણ
- કોરોના એક્ટીવ કેસની સંખ્યા 250 છેઃ 9 લોકોને રજા અપાઈઃ 460નું પરિણામ બાકી
મહેસાણા,તા.22 જુલાઈ 2020, બુધવાર
કોરોના મહામારીનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં અને શહેરમાં હવે કોરોના ગલીએ શેરીઓમાં પણ સંક્રમણ નોંધાવા લાગ્યું છે. છેલ્લા ૧૦ દિવસથી મહેસાણા જિલ્લામાં રોજના ૧૫થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. બુધવારના રોજ મહેસાણા જિલ્લામાં ૨૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં અર્બન અને રૃરલ બંને વિસ્તારોમાં ૧૨-૧૨ કેસ નોંધાયા છે.
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત તારીખ ૨૨-૭-૨૦૨૦ સુધીમાં ૮૬૫૬ કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૭૮૦૬ના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જ્યારે ૧૭૩ સેમ્પલનું પરિણામ જાહેર થયું છે. તે પૈકી ૧૫૯ સેમ્પલ કોરોના નેગેટીવ જોવા મળ્યા છે. જેમાં સરકારી લેબ ખાતે ૧૪ સેમ્પલ કોરોના પોઝીટીવ તેમજ અન્ય લેબ ખાતે ૧૦ના કોરોના પોઝીટીવ મળી કુલ ૨૪ કેસ કોરોનાના નોંધાયા છે.
કોવિડ-૧૯ અંતર્ગત લીધેલ સેમ્પલની સંખ્યા ૨૫૦ છે. જેમાં પોઝીટીવ ૨૪ કેસ નોંધાયા છે. પેન્ડીંગ રીઝલ્ટ ૪૬૦ છે. ૯ લોકો સાજા થઈ જતાં રજા અપાઈ છે. હાલમાં કોરોનાના ૨૫૦ એક્ટીવ કેસ છે. મહેસાણા શહેરમાં વિસગર રોડ, પટાવાળાની ચાલી, સોમનાથ રોડ, એરોડ્રામ રોડ પર ચાર મહિલાો તથા ગંજબજાર સામે એક પુરુષને કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યાં ઊંઝા ગાંધીચોકમાં બે મહિલા, કડીમાં થોળ રોડ પર પુરુષ તથા વડનગર નર્સિંગ સ્ટાફ ક્વાર્ટરની મહિલા તથા મહાદેવ મંદિર પાસે એક પુરુષને કોરોના પોઝીટીવ જોવા મળ્યો છે. વિજાપુર-વિસનગર રોડ તથા વિસનગરની વ્હોરવાડમાં પણ મહિલા પોઝીટીવ કેસ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પીલુદરા, પાલાવાસણા, ઓએનજીસી, હેડુવા રાજગઢ, જગન્નાથપુરા, વામજ, બેચરાજી, સુલતાનપુરા, ખરોડ, બાકરપુર રાલીસણા અને કાંસા વિસ્તારમાં ૧૨ કેસ કોરોના નોંધાયા છે.
પાટણ જિલ્લામાં 5 દિવસમાં 10ના મોત, કુલ મૃત્યુઆંક 43
પાટણ જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોની સાથે સાથે સંક્રમિત લોકોના પણ મૃત્યુ ઝડપથી થવા લાગ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં છેલ્લા ૫ દિવસમાં કુલ ૧૦ લોકોના મોત નિપજ્યા છે. જેને લઈ મૃત્યુઆંક ૪૩ પર પહોંચી ગયો છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝીટીવ આંક ૪૭૯ પર પહોંચી ગયો છે.