કોલવડામાં 5 સહિત ગાંધીનગર તાલુકામાં કોરોનાના નવા 11 કેસ
ગાંધીનગર, તા. 18 જૂન 2020, ગુરુવાર
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર ઉપરાંત જિલ્લામાં કલોલ અને ગાંધીનગર તાલુકામાં કેસ ચિંતાજનક વધી રહ્યાં છે.કલોલમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં આજે વધુ ૧૧ કેસ નોંધાયા છે. કોલવડામાં એક જ પરિવારના ચાર ઉપરાંત ગઢવીવાસમાં રહેતું દંપતિ પણ કોરોના પોઝિટિવ આવ્યું છે.
આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કોલવડાના નવોમાઢવાસમાં રહેતી મહિલા ગઇકાલે પોઝિટિવ આવી હતી. ત્યારે આ પોઝિટિવ મહિલનાના ઘરના ત્રણ વ્યક્તિઓ આજે કોરોનામા સપડાયાં છે. આ પોઝિટિવ પત્નિના ૫૭ વર્ષિય પતિ, ૩૪ વર્ષનો પુત્ર અને દસ વર્ષનો પૌત્ર કોરોનાગ્રસ્ત થયાં છે. એટલું જ નહીં કોલવડાના ગઢવીવાસમાં રહેતા અને દરજી કામ કરતું દંપતિ પણ કોરોના પોઝિટિવ આવ્યું છે. આ ઉપરાંત વાવોલના શાલીન-૩માં રહેતાં ૫૦ વર્ષિય આધેડ કે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તે પોઝિટિવ આવ્યાં છે. એપોલો હોસ્પિટલમાં ફાર્મસીની દુકાનમાં કામ કરતો અને ઝુંડાલના કલ્પતરૃ ફલેટમાં રહેતો ૩૧ વર્ષિય યુવાન કોરોનામાં સપડાયો છે. રાંદેસણ સ્વામિનારાયણધામની હોસ્ટેલમાં રહેતો ૧૭ વર્ષિય કિશોર સંક્રમિત થયો છે. જેના લીધે સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે. રાયસણમાં રહેતા ૬૫ વર્ષિય વૃદ્ધ કે જેમનું મુળવતન અરજણજીના મુવાડા છે તેમને પણ તાવ સહિતની તકલીફ થતાં ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-૧૬માં આવેલી એચડીએફસી બેન્કમાં નોકરી કરતો અને અડાલજના અટલઆવાસમાં રહેતો ૩૦ વર્ષિય કિશોર સંક્રમિત થયો છે. જ્યારે કોબામાં રહેતો અને નરોડામાં ધંધો કરતો ૩૪ વર્ષિય યુવાન પણ પોઝિટિવ આવ્યો છે. આમ ગાંધીનગર તાલુકામાં ૧૧ પોઝિટિવ દર્દીઓ આવ્યાં છે. જ્યારે માણસાના લોદરાનો યુવાન પણ કોરોનામાં પટકાયો છે. જેની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે. તો ગાંધીનગરના સેક્ટર-૪/બીમાંથી એક પોઝિટિવ કેસ પ્રકાશમાં આવી રહ્યો છે. ૬૩ વર્ષિય વૃદ્ધનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કલોલમાંથી આજે બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. કલોલના ક્રિષ્નનગર વિભાગ-રમાં રહેતાં ૬૬ વર્ષિય વૃદ્ધને ઘણા દિવસથી તાવ અને કફની તકલીફ હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. ઘરના ચાર સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે કલોલના નાંદોલી ગામમાં આવેલા ગ્રીનવીલામાં રહેતા ૬૫ વર્ષિય વૃધ્ધ પણ કોરોનામાં સપડાયાં છે. અગાઉ તેઓ અમદાવાદના વેજલપુરમાં ગયા હોવાનું આરોગ્યના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તેમના પરિવારના આઠ વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.