હિંમતનગર સહિત ચાર સર્કલમાં ગેરકાયદે 10,662 કનેક્શન ધારકોને રૂપિયા 18 કરોડનો દંડ ફટકાર્યો
- ઉત્તર ગુજરાતમાં વીજતંત્રની સાત મહિના દરમિયાન કાર્યવાહી
- ઉદ્યોગ, હોટલ, રહેણાંક, ખેતીવાડી અને કોમર્શિયલ ક્ષેત્રમાં વીજ કંપનીએ સપાટો બોલાવતાં વીજ ચોરોમાં ફફડાટ
મહેસાણા,
તા. 26
છેલ્લાં સાતેક માસમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, સાબરમતી અને હિંમતનગર
સર્કલ હેઠળના વિસ્તારોમાં યુજીવીસીએલના મસમોટા અધિકારીઓ, કર્મચારીઓના કાફલાએ
પોલીસ બંદોબસ્ત સાથે વીજજોડાણધારકોના સ્થળે દરોડા પાડયાં હતા. જે દરોડામાં વીજકંપનીએ
આશરે ૩ લાખ જેટલાં જોડાણો ચેક કર્યા હતા. ચેકિંગમાં ૧૦,૬૬૨ જેટલાં જોડાણમાંથી
આશરે રૂ.૧૮ કરોડની વીજચોરી ઝડપાઈ હતી.
છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન વીજ અધિકારીઓની ૨૦ જેટલી ટીમે મહેસાણા
સહિતના જુદાજુદા હાઈ-વે પરની ૨૧ હોટલોમાં દરોડા પાડીને રૂ.૬૪ લાખની વીજચોરી ઝડપી હતી.
જેના આસામીઓને બિલ ફટકારી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી
ગયો હતો.
ઘણાં લાંબા અરસાથી મહેસાણા સર્કલ સહિત ઉત્તર ગુજરાતના તાબાના
ચારેય સર્કલમાં સમાવિષ્ઠ શહેરો અને ગ્રામ્યપંથકમાં અને ખાસ કરીને હાઈ વે પરની હોટલો
સહિતના સ્થળોએ વીજચોરીના બનાવો વધવાના કારણે યુજીવીસીએલના અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ
છે. યુજીવીસીએલ કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા, પાલનપુર, હિંમતનગર અને સાબરમતી
સર્કલ હેઠળના શહેરો અને ગ્રામ્યપંથકમાં વીજચોરીના બનાવો વધવાના લીધે લાઈનલોસમાં પણ
વધારો જણાતો હોઈ તેને નિયંત્રણમાં લેવા માટે ચારેય સર્કલોને કુલ ૨૪ કરોડના એસેસમેન્ટનો
લક્ષ્યાંક આપવામાં આવ્યો હોઈ વીજ અધિકારીઓ અને કર્મચારીઓએ માહે એપ્રિલ-૨૦૨૧થી ઓક્ટોબર-૨૦૨૧ દરમિયાનનાં છેલ્લાં સાતેક માસમાં અનેક ઠેકાણે ત્રાટકીને રહેણાંક, ઉદ્યોગો, કોમર્શીયલ, ખેતીવાડીના મળી કુલ
૩ લાખથી વધુ કનેક્શન ચેક કર્યાં હતા. જે પૈકીના ૧૦,૬૬૨ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડી હતી. જેના આસામીઓને કુલ રૂ.૧૮
કરોડના બિલ થમાવી દેવાયા હતા.
જો કે,
નિયત ટાર્ગેટ રૂ.૨૪ કરોડના એસેસમેન્ટને પુરો કરવા માટે વીજઅધિકારીઓએ કવાયત હાથ
ધરી છે. ઉલ્લેખનીય છે કે,
કુલ ૧૦૬૬૨ કેસ પૈકીના ગેરરીતિ આચરવાના ૬૦૨૧ કેસમાં આસામીઓ સામે સેક્શન ૧૩૫ મુજબ
પોલીસ કાર્યવાહી કરી રૂ.૭૭૩.૩૫ લાખ અને ૧૨૬ તળેના ૪૫૦૬ આસામીઓ સામે કાર્યવાહી કરીને
રૂ.૮૮૮.૬૨ લાખનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હોવાનું વીજ વર્તુળોએ જણાવ્યું હતુ.
વીજ કંપનીની લક્ષ્યાંક સામે ૭૫ની વસૂલાત
ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા કર્મચારીઓને એક વર્ષ દરમિયાન
મહેસાણા સહિત ચાર સર્કલ વિસ્તારમાં દરોડા કરી ૨૪ કરોડ રૂપિયા વસૂલવા માટે લક્ષ્યાંક
આપવામાં આવ્યો હતો. જેની સામે વીજ કર્મચારીઓએ સાતેક મહિનાના સમયગાળામાં ૧૮ કરોડની વીજ
ચોરી પકડી ૭૫ ટકા જેટલી વસૂલાત કરી દીધી છે. હવે વીજ કર્મચારીઓને લક્ષ્યાંકને સિદ્ધ
કરવા માટે માત્ર ૨૫ ટકાની વીજ ચોરી પકડવી પડશે. એટલે કે હજુ પણ વીજ ચોરી કરતાલોકોને
૬ કરોડનો દંડ ફટકારવો પડશે.
દરોડા પાડવા સૌરાષ્ટ્રમાંથી કર્મચારીઓ બોલાવાયા
છેલ્લાં ત્રણ દિવસમાં યુજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓની સાથે
મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ વગેરેની ૨૦
ટીમના ૧૦૦થી વધુના કાફલાએ પોલીસ બંદોબસ્ત સાથે ચારેય સર્કલના હાઈ વે પરની હોટલોમાં
ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં ૨૧ હોટલોના કનેક્શનોમાંથી અધ..ધ..૬૩.૮૦ લાખની ગેરરીતિ-
વીજચોરી ઝડપાઈ હતી. જેના ૧૪ આસામી સામે સેક્શન ૧૩૫ હેઠળ પોલીસ કાર્યવાહી કરી રૂ.૫૩ લાખના બિલ થમાવી દેવાયા હતા. તેમજ ૭ હોટેલ
માલીકો સામે ૧૨૬ તળે કાર્યવાહી કરી રૂ.૧૧ લાખનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતુ.

