કોરોનાથી કલોલમાં વધુ 1 મોત
- જિલ્લા તંત્ર દ્વારા મૃત્યુઆંક છુપાવાના પ્રયાસો : પાટનગર અને કલોલમાં 4-4 સહિત કુલ 15 કેસ
ગાંધીનગર, તા. 5 જુલાઇ 2020, રવિવાર
ગાંધીનગર જિલ્લામાં અને ખાસ કરીને કલોલમાં કોરોના પોઝિટિવ દર્દીના મોતનો આંકડા ચિંતાજનકરીતે વધી રહ્યો છે પરંતુ આરોગ્ય અને જિલ્લા તંત્ર ક્યાંકને ક્યાંક આ મૃત્યુઆંક છુપાવવાના પ્રયત્નો કરી રહ્યું હોય તેમ દરરોજ રજુ કરવામાં આવતી પ્રેસનોટ ઉપરથી લાગી રહ્યું છે. કલોલમાં ગઇકાલે સાંજે એક અને આજે અંબિકાનગર-૨માં રહેતા ૬૫ વર્ષિય વૃધ્ધાનું મોત કોરોનાના કારણે થયું છે તેમ છતા જિલ્લા તંત્ર દ્વારા આ મોતના આંકડા બતાવવામાં આવ્યા નથી જેથી આંકડા છુપાવીને સબસલામત હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે જે જિલ્લાના રહિશો માટે જોખમકારક છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ગઇકાલે ૭૫ વર્ષિય વૃદ્ધનું મોત થયં હતું ત્યારે આજે ૬૫ વર્ષિય વૃધ્ધાનું કોરોનાથી મોત થયું છે. ગાંધીનગર સિવિલમાં સારવાર લઇ રહેલાં આ વૃધ્ધા આજે કોરોના સામે હારી ગયા છે ત્યારે તંત્ર પોઝિટિવ જ નહીં પરંતુ મોતના આંકડા પણ છુપાવી રહી છે. ગાંધીનગર જિલ્લા તંત્ર આજે જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ મોત થયા હોવા છતાં ફક્ત ગઇકાલે ફક્ત એક જ મોત સ્વામિનારાયણધામના સિક્યુરીટી ગાર્ડનું મોત જ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કલોલના બે મોત ઉપર પડદો પાડી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કલોલમાં વણસતી જતી કોરોનાની સ્થિતિથી ઉભરવાના પ્રયાસો કરવાને બદલે ક્યાંકને ક્યાંક સ્થાનિક સ્ટાફથી લઇને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ આંકડા છુપાવવાની આ રમતમાં સામીલ થયાં છે અને કલોલ સહિત જિલ્લાની સાચી સ્થિતિનો પ્રજાને ખ્યાલ ન આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જો કે આ આંકડાની રમત નાગરિકો માટે જોખમકારક હોવાનું સીધી દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
ગાંધીનગર શહેરમાંથી આજે ચાર પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. જેમાં સેક્ટર-૧૨/બીમાં રહેતી ૫૪ વર્ષિય મહિલા છેલ્લા અઠવાડિયામાં બે વખત અમદાવાદના શાહપુરમાં જઇને આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તો અમદાવાદના આશ્રમ રોડ ઉપર આયુર્વેદ દવખાનું ધરાવતાં સેક્ટર-૧૩/બીના ૩૯ વર્ષિય પુરુષ કોરોનામાં સપડાયાં છે. કોરોના વારિયર્સ તરીકે કામ કરતી સેક્ટર-૪/એમાં રહેતી સીમ્સ હોસ્પિટલની સ્ટાફનર્સ કોરોનામાં પટકાઇ છે. જ્યારે સેક્ટર-રરમાં રહેતો ૪૨ વર્ષિય વિમા એજન્ટનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કલોલમાંથી મળી આવેલાં ચાર પોઝિટિવ પૈકી મધુવન સોસાયટીમાં રહેતાં ૫૭ વર્ષિય ડોક્ટર પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. માણસામાં રહેતો અને ફેબ્રીકેશનના કામ સાથે સંકળાયેલો ૫૮ વર્ષિય પુરુષ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વાવોલની ગ્રીનસીટીમાં રહેતી ૫૫ વર્ષિય મહિલા, શાહપુરમાં અગાઉ પોઝિટિવ આવેલાં દર્દીની પત્નિ અને પુત્રી સંક્રમિત થઇ છે. સુઘડમાં રહેતાં ૬૦ વર્ષિય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનો પુત્ર અમદાવાદમાં ધંધો કરે છે. કુડાસણમાં રહેતો ૩૬ વર્ષિય પુરુષ કે જે ફર્નિચરની ફેક્ટરી ધરાવે છે તે પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.