વિજકંપનીઓના 15 લાખ કર્મીઓ આજે કાળીપટ્ટી ધારણ કરશે
- સરકારી કંપનીઓના ખાનગીકરણની હિલચાલનો વિરોધ
- મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લાના 39 હજાર વિજ કર્મચારીઓ વિરોધમાં જોડાશે
ઊંઝા,તા.31 મે 2020, રવિવાર
વીજક્ષેત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કરવા માટે રાજ્યની તમામ વીજકંપનીઓના ૧૫ લાખથી વધુ વીજકર્મીઓ પહેલી જૂને કાળીપટ્ટી ધારણ કરી ખાનગીકરણ રોકવા માટે તેમજ ગ્રાહકોમાં જાગૃતતા લાવવા માટે અભિયાન છેડયું છે.મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ૩૯ હજારવિજકર્મચારીઓ પણ વિરોધમાં જોડાશે.
ભારત સરકારે ગયા મહિને ઈલેક્ટ્રીસીટી એમેન્ડમેન્ટ બીલ લાવીને આગામી સમયમાં સમગ્ર દેશભરમાં વીજક્ષેત્રે ખાનગીકરણ કરવા માટે શરૃ કરેલી કવાયતનો જીઈબી એસોસિએશન તથા અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ છેડેલા અભિયાન અંતર્ગત એજીવીકેએસના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલે વીજ કામદારોને આહવાન કરેલ છે કે વીજક્ષેત્રમાં ખાનગીકરણને કારણે ગ્રાહકો તથા કામદારોને થનાર નુકશાન બાબતે જાગૃતતા લાવવા માટે આજે પહેલી જૂને તમામ ૧૫ લાખથી વધુ વીજ કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
આ બાબતે વધુ માહિતી આપતાં બળદેવભાઈ પટેલે ગ્રાહકોનુ તથા વીજ કર્મીોનુ ધ્યાન દોરેલ છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તપ્રદેશ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં ઘણા સ્થળોએ ખાનગીકરણ કર્યા બાદ વીજક્ષેત્રે કામગીરીમાં નિષ્ફળ પુરવાર થઈ છે. જેમાં ગ્રાહકોના હિતોને ભારે નુકશાન તથા શોષણ થતું હોવાની રાવ છે. ગ્રાહકોને મળતી વિવિધ પ્રકારની સબસીડીઓને કારણે રાહતો પણ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે સાથે સસ્તાદરે વીજળી પુરી પાડવાની શક્યતાઓ પણ બંધ થાય તેમ છે. સરકાર ખાનગીકરણ કરી કોર્પોરેટક્ષેત્રને ફાયદો કરાવવા પ્રયત્ન કરી રહી હોય તેવુ ચર્ચાસ્પદ બનેલ છે. ખાનગીકરણ કરી સરકાર શું સિદ્ધ કરવા માગે છે તે પ્રશ્નાર્થ બન્યો છે.