Mahisagar

મહીસાગર: ₹73 લાખની ભાડાકરારની રકમના 13 અસલ દસ્તાવેજો જપ્ત, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી સામે કાર્યવાહી

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
મહીસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી રોકવા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વિશેષ ઝુંબેશ ચલાવી હતી. 3 દિવસની તપાસમાં લીમડીયા, લુણાવાડા-ગોધરા હાઇવે સહિતના વિસ્તારોમાં 70થી વધુ કોમર્શિયલ યુનિટ્સમાં અનિયમિતતાઓ મળી. ₹73.36 લાખના ભાડાકરારના 13 અસલ દસ્તાવેજો જપ્ત કરાયા છે. લાખોની રકમ સામે માત્ર ₹300ના સ્ટેમ્પનો ઉપયોગ થયો હતો અને 10 દસ્તાવેજોની નોંધણી થઈ ન હતી, જેના પર કાયદેસર કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગર: ₹73 લાખની ભાડાકરારની રકમના 13 અસલ દસ્તાવેજો જપ્ત, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી સામે કાર્યવાહી

Mahisagar Stamp Duty Fraud: મહીસાગર જિલ્લામાં મહેસૂલી આવકને થતું નુકસાન અટકાવવા અને મિલકતોના ભાડાકરારના દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી તથા ફરજિયાત નોંધણીના નિયમોના પાલનને લઈને નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ત્રણ દિવસથી જુદી-જુદી ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરાઈ હતી. તપાસમાં દસ્તાવેજોની નોંધણીમાં અનિયમિતતાઓ જણાતા ₹73.36 લાખની ભાડાકરારની રકમના 13 અસલ દસ્તાવેજો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહીસાગરમાં ₹73 લાખની ભાડાકરારની રકમના 13 અસલ દસ્તાવેજો જપ્ત

જિલ્લા તંત્રએ લીમડીયા ચોકડી, લીમડીયા બસ સ્ટેશન, લુણાવાડા–ગોધરા હાઇવે, મોડાસા હાઇવે તથા અન્ય વિસ્તારોમાં આવેલા 70થી વધુ કોમર્શિયલ યુનિટ, કોમ્પ્લેક્સ, દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ અને શોરૂમની તપાસ કરતાં ભાડાકરારના દસ્તાવેજોમાં દર્શાવેલી રકમની સરખામણીએ વપરાયેલા સ્ટેમ્પની કિંમત અને દસ્તાવેજોની નોંધણી અંગે ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવી હતી. આ મામલે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1985ની કલમ 33 હેઠળ કુલ 13 અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

લાખોની ભાડાકરારની રકમ સામે માત્ર ₹300ના સ્ટેમ્પનો ઉપયોગ

તપાસ દરમિયાન કેટલાક ભાડાકરારના દસ્તાવેજોમાં લાખો રૂપિયાની ભાડાકરારની રકમ દર્શાવવામાં આવી હોવા છતાં માત્ર ₹300ના સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એક વર્ષથી વધુ સમયગાળાના ભાડાકરારમાં લાગુ પડતી જોગવાઈઓ મુજબ જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહે છે. જો કે, દરેક દસ્તાવેજમાં ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીની ચોક્કસ ગણતરી ભાડાકરારની મુદત, શરતો અને લાગુ પડતા કાયદા મુજબ કરવામાં આવશે.

આ ઉપરાંત, જપ્ત કરાયેલા 13 દસ્તાવેજોમાંથી 10 દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી ન હોવાનું પ્રાથમિક ચકાસણીમાં ધ્યાને આવ્યું છે. આ કિસ્સાઓમાં સંબંધિત પક્ષકારોની જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.