સંતરામપુરના માર્કેટ યાર્ડના ગોડાઉનો ચિક્કાર થઈ જવાથી ડાંગરની ખરીદી બંધ કરાઈ
-ડાંગર ખરીદવાનું બંધ કરાતા ખેડૂતો યાર્ડમાં બે દિવસથી રઝળે છેઃમોટાભાગના ગોડાઉનો વેપારીઓ પાસે છે
સંતરામપુર તા.10 ડિસેમ્બર 2019 મંગળવાર
સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરો ખરીદવાની કામગીરી શરૃ કરી પરંતુ ખરીદ કરેલી ડાંગરની ગુણો મુકવા ગોડાઉન ખાલી નહોઇ તંત્ર દ્વારા ટેકાના ભાવે ડાંગર ખરીદી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાના ગામડાઓમાંથી ડાંગરો ભરીને આવેલા ખેડૂતો ટ્રેક્ટરો સાધનો સાથે બે બે દિવસથી મારકેટીંગ યાર્ડ ખાતે રઝળી રહ્યા છે. તંત્ર દ્વારા ગોડાઉનોની વ્યવસ્થા કરી ખેડૂતોની મુસ્કેલી દુર કરે તેવી માંગ ઉઠવા પામી છે.
સંતરામપુર તાલુકાના ગામડાઓમાંથી ટ્રેક્ટરો ભરી ટેકાના ભાવે ડાંગરો વેચવા માટે મારકેટીંગ યાર્ડ સંતરામપુર ખાતે છેલ્લા બે-ત્રણ દિવસથી આવી રઝળી રહ્યા છે. માર્કેટીંગ યાર્ડના ખાલી ગોડાઉન ભરાઇ જવાથી તંત્ર દ્વારા હાલ ટેકાના ભાવથી ડંુગરનો તોલ બંધ કરેલો છે. ખરીદ થયેલ ડાંગરનો જથ્થો હટાવ્યા બાદ અથવા અન્ય ગોડાઉનની વ્યવસ્થા થયેથી ડાંગર ખરીદીની આગળની કાર્યવાહી હાથ ધરસેનું જાણવા મળેલ છે. મારકેટીંગ યાર્ડ ખાતે જે ગોડાઉન ભરાઇ જવાથી સંતરામપુર અને કડાણા તાલુકાના ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.
સંતરામપુર માર્કેટીંગ યાર્ડ ખાતે પાંચ(૫) એકર જેવી વિશાળ જમીન ઉપલબ્ધ છે. તંત્ર દ્વારા ગોડાઉનોની વ્યવસ્થા કરી શકાય તેમ છે. નવા ગોડાઉનો બનતા નથી. જે ગોડાઉનો છે .તેમાંથી મોટાભાગના ગોડાઉનો વેપારીઓ પાસે છે. જેઓ માર્કેટીંગ યાર્ડમાં બેસતા નથી માત્ર ગોડાઉનનો ઉપયોગ કરે છે. જે ગોડાઉનો ખાલી હતા તે હાલ ડાંગરની ગુણીઓ ભરાઇ ચુકેલી છે.
સંતરામપુર મારકેટીંગ યાર્ડને વરસોથી ખંભાતી તાળા લટકેલા જોવા મળે છે. સરકાર દ્વારા ચાલુ વર્ષ ટેકાના કેટલાક દિવસોથી સંતરામપુર માર્કેટ યાર્ડ ધમધમી રહ્યું છે. પરંતુ ખાલી ગોડાઉન ભરાઇ જતા હાલ તંત્ર દ્વારા ખરીદી બંધ કરાતા ઓનલાઇન નોધણી કરાવી બાદ ખરીદી કરવા બોલાયેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાગે ડાંગર ખરીદીની વ્યવસ્થા કરાય અને ખરીદાયેલ ડાંગરની ગુણો મુકવાના ગોડાઉનોની વ્યવસ્થા કરાય તે માટે રાજ્ય સરકાર અને પુરવઠા તંત્ર સક્રિયતા દાખવી ખેડૂતોને સહાય કરે તે જરૂરી છે.
સંતરામપુર માર્કેટીંગ યાર્ડ ખાતે મોટા મોટા ગોડાઉન છે.તેમાં હાલ ખાલી ગોડાઉનોનો તંત્રએ ઉપયોગ કર્યો છે. બીજા ગોડાઉનોને ખંભાતી તાળા લાગેલા છે. તેવા ખંભાતી તાળા વાળા ગોડાઉનો જો ખાલી હોય તો તેનો વેપારીઓ પાસેથી કબજો લઇ તેમાં ટેકાનાભાવે ખરીદ કરાયેલ ડાંગરનો જથ્થો રાખવાની વ્યવસ્થા કરાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.