ત્રિપલ તલાકનો ભોગ બનેલી લુણાવાડાની મુસ્લિમ મહિલાની પોલીસ ફરિયાદ
મલેકપુર તા.16 જાન્યુઆરી 2020 ગુરૂવાર
લુણાવાડા હુસેની ચોક વિસ્તારની ફરિયાદી મહિલાની તબિયત સારી નહીં હોવા છતાં આરોપી પતિએ તેની પાસે ઘરકામ કરાવી શારીરીક માનસિક ત્રાસ આપી શંકા કરી તેની કે પિયરવાળાની મંજુરી વગર ત્રણ વાર તલાક બોલી તલાક આપ્યાની જાણ પોલીસમાં કરાતા આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
પતિએ શંકા રાખી મહિલાને અવાર નવાર માનસિક અને શારીરિક તણાવમાં રાખી અંતે તલાક ત્રણ વાર તલાક તલાક બોલી દીધા હતી.આ વેદના મહિલાને સહન ના થતા મુસ્લિમ મહિલાએ નવા આવેલા કાયદાનો આશરો લીધો છે.
ફરિયાદી શકીનાબાનુ હાલમાં તેના પિયરમાં લુણાવાડા હુસેની ચોક વિસ્તારમાં પિતા મોહમ્મદભાઈ શેખ સાથે છેલ્લા ૩ માસથી તેની એક વર્ષની દિકરી ઇકરાબાનું સાથે રહે છે. તેના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ ઘરની સામે જ રહેતા જાકીરખાન દસોતખાન પઠાણની સાથે બે વર્ષ અગાઉ કરવામાં આવ્યા હતા.
લગ્ન કરી તે સાસરીમાં પતિ સાથે સંયુક્ત પરીવારમાં રહેવા ગઈ હતી.શરૃઆતમાં એકાદ વરસ સુધી પતિએ તેને સારી રીતે રાખી હતી ત્યાર પછી તેનો પતિ તેને પિયરમાં પણ જવા દેતા ન હતા .એ દરમ્યાન તેણે સંતાનમાં એક દિકરીને જન્મ આપ્યા પછીના આઠેક માસ પછી તેનો પતિ તેની ઉપર વહેમ રાખતો હતો. તેને હું છુટું આપી દઇશ ,તેમ કહીને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ તબીયત સારી ના હોય તો પણ તેની પાસે ઘરનું કામ કરાવીને શારીરીક ત્રાસ આપતો હતો.
ફરિયાદીની તબીયત સારી ના હોવાના કારણે તેનો નાનોભાઇ હુસેનભાઇ શેખના ત્રણ માસ અગાઉ તેની સાસરીમાં લેવા આવ્યો ત્યારે તેની રૂબરૂમાં પતિએ પરણીતાની કે તેના પિયરવાળાની મંજુરી વગર ત્રણ વખત તલ્લાક બોલી તલાક આપી દેતા તેનો ભાઈ તેને તેના પિયરમાં લઇ આવ્યો હતો.
પરિણીતાએ ત્રણ વખત તલાક બોલી ગુન્હો કર્યા અંગે આરોપી પતિ ઝાકીરખાનની વિરુદ્ધમાં લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.