લુણાવાડા એસ.ટી ડેપો દ્વારા મેટ્રો લીંક સર્વીસ શરૂ
લુણાવાડા થી અમદાવાદ લોકલ ભાડામાં એક્સપ્રેસ સુવિધા શરૂ કરાઇ
મલેકપુર,તા.5,ઓક્ટોબર,2018,શુક્રવાર
ગુજરાત સરકાર દ્વારા નાગરીકોને યાત્રા સુવિધાઓમાં તેમજ અવર જવરમાં વધુ સરળતા રહે તે માટે વાહન વ્યવહાર નિગમ અનેકવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત વાહન વ્યહાર નિગમના એમ.ડી. એ આપેલ સુચના અનુસાર યાત્રીકોની સુવિધામાં વધારો થાય તે માટે ગોધરા વિભાગીય નિયામક ના માર્ગદર્શનમાં લુણાવાડા એસ.ટી ડેપો મેનેજર દ્વારા. આજ રોજ નવિન મેટ્રો લીંક બસ સુવિધા લુણાવાડા થી અમદાવાદ માત્ર એક જ સ્ટોપ બાલાસિનોર સાથે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સુવિધાની વિશેષતા એ છે કે આ બસ માત્ર એક સ્ટોપ સાથે એક્સપ્રેસ ઝડપે લોકલ મુસાફરી ભાડામાં અમદાવાદ પહોચાડશે.
લુણાવાડા એસ.ટી ડેપો મેનેજર ના જણાવ્યા અનુસાર જિલ્લા મથક લુણાવાડા થી અનેક મેટ્રો લીંક સેવાઓ શરૂ કરવામાં આવી છે જેમાં લુણાવાડા – વિરપુર, લુણાવાડા – પુનાવાડા, લુણાવાડા – સંતરામપુર અને લુણાવાડા – ગોધરા બસ સેવાઓ શરૂ કરાઇ છે.
પરંતુ સ્થાનિક ડેપો થી અમદાવાદ તરફ જવા માટે અમુક સમયમાં સ્થાનિક મુસાફરોને લાભ ન મળતો હોવાથી તેવા સમયનુ આયોજન કરી આ સુવિધા શરૂ કરાઇ છે. જે શરૂ થતા હવેથી અમદાવાદ તરફ જવા માટે દર અડધા કલાકે બસ સુવિધા મળી રહેશે. જેનો લાભ લેવા અપીલ કરી છે. આ બસમાં પ્રવાસ કરતા યાત્રીકે આ સુવિધા ને સંતોષ જનક ગણાવી વધુ મેટ્રો લીંક સેવાઓ શરૂ કરવા અનુરોધ કર્યો હતો