કૂવામાં કૂદી આપઘાત કરનાર પત્નીના કેસમાં પતિને સાત વર્ષની કેદ
-મહિસાગર સેસન્સ કોર્ટનો ચૂકાદોઃવહેમી પતિના ત્રાસથી કંટાળી હતી
સંતરામપુર તા.20 ડિસેમ્બર 2019 શુક્રવાર
સંતરામપુર તાલુકાના ગડા ગામે આજથી એક વર્ષ અગાઉ વહેમી પતિના ત્રાસથી પત્નીએ કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કરી લેવાની ઘટના ઘટી જે કેસ મહીસાગર જીલ્લા સેશન્સ જજ બી.જે. દવેની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સમાજમાં દાખલા બેસે અને મહીલાઓ પ્રત્યેના શારીરિક માનસીક ત્રાસ અટકે તે માટે પતિ દોષીત ઠેરવી સાત વર્ષ સખદ કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકારયો હતો.
સંતરામપુર તાલુકાના ગડા ગામે તા. 29-1-18 ના રોજ પતિના ત્રાસથી આડા સંબંધના વહેમ રાખી અવારનવાર પત્નિને શારીક ને માનસીક ત્રાસ આપતા પત્નીને મનમાં લાગી આવતા તેને કુવામાં ઝંપલાવી મોત વહાલુ કરેલ ઘટનાની સંતરામપુર પોલીસ મથકે મરનાર ના પતિ વિરૃધ્ધ મહિલાના ભાઇએ ફરીયાદ આપતા પોલીસે પતિ પંકજભાઇ રણછોડભાઇ મુડવાડા, રહે.ગડા વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ કરી હતી.
ચાર્જસીટ કોર્ટમાં મોકલી જજ બી.જે. દવેની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષ અને બચાવ પક્ષની દલીલો સાંભળી ફર્યાદી પક્ષના સરકારી વકીલની દલીલો પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે સમાજમાં દાખલો બેસે તેમ પતિ પંકજ રણછોડ મુડવાડાને દોષીત ઠેરવી 306 ના ગુનામાં સાત વર્ષની સખ્ત કેદ અને પાંચ હજારનો દંડ તથા 498 (ક) ના ગુનામાં બે વર્ષની કેદની સજા ને રૂ.એક હજારનો દંડ ફટકારાયો આરોપીએ તમામ સજા સજા સાથે ભોગવવાની રહેશે.