મહીસાગર જિલ્લામાં ઘઉં, ચણા અને દીવેલા સહિતનાં પાકોની સારી ઉપજ
-શિયાળાની કડકડતી ઠંડીનો ખેડૂતોને મળેલો લાભ
કોઠંબા તા.4 માર્ચ 2019 ગુરૂવાર
ચાલુ સાલે ઘંઉ, ચણા તથા દીવેલા તથા અન્ય પાકોમાં સારી ઉપજ થતાં મહીસાગર જિલ્લાનાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.
ચાલુ સાલે શિયાળામાં પડેલી કડકડતી ઠંડીએ ભલે ગરીબ વર્ગને તોબા પોકારી દીધી હોય પરંતુ અસહ્ય ઠંડીને કારણે ઘંઉ, ચણા, રાયડો વગેરે રવી પાકોની ઉપજ ગયા વરસ કરતાં સારી થતાં મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, વીરપુર, બાલાશિનોર, સંતરામપુર વગેરે તાલુકાના ખેડૂતોના ચહેરા પર હર્ષ છવાયો છે.
મહીસાગર જિલ્લામાં ચણાના ઉત્પાદન માટે જાણીતા એવા કડાણા અને સંતરામપુર તાલુકામાં ચણાનું ઉત્પાદન ગયા વરસ કરતાં વધારે હોવાનું ખેડૂત વર્ગમાંથી જાણવા મળ્યું છે. જ્યારે ગયા વરસે ઘંઉનો ભાવ જે હતોતેજ આ વરસે છે પરંતુ ગયા વરસ કરતાં ચણાનો ભાવ આ વરસે વધુ હોઇ ખેડૂતોને સારો એવો ફાયદો થઇ રહ્યો છે.
જ્યારે ગયા વરસે દીવેલાનો ભાવ સાતસોની આસપાસ હતો અને આ વખતે નવસો પચાસની આસપાસ રહેતાં દીવેલા પકવનારાને મણદીઠ બસોથી વધુ ફાયદો થયો છે.